પાટણ જિલ્લાના ખેડૂતો માટે બાગાયતી યોજનાઓ હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની તક
બાગાયતી પાકોના વાવેતર અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ૩૦ ઓક્ટોબર સુધી અરજીઓ કરી શકાશે
કેપિટલ મેસેજ
Capital message
પાટણ જિલ્લાના ખેડૂતો બાગાયતી ખેતીનો વ્યાપ વધારી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકે અને રાજ્ય સરકારની વિવિધ બાગાયતી યોજનાઓનો મહત્તમ લાભ લઈ શકે તે હેતુથી વર્ષ ૨૦૨૬-૨૭ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર ત્રણ મહત્વપૂર્ણ ઘટકો હેઠળ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
બાગાયત ખાતાની યોજનાઓ હેઠળ બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ, ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ તેમજ રાઈઝોમેટીક પાકો (આદુ અને હળદર)ને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ પૈકી બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોના વાવેતર વિસ્તાર વધારવા તથા ફળપાકોમાં ફિલ્ડ કવર દ્વારા ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાના કાર્યક્રમમાં તમામ જાતિના ખેડૂતો અરજી કરી શકશે, જ્યારે આદુ અને હળદર જેવા રાઈઝોમેટીક પાકોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમમાં માત્ર અનુસૂચિત જાતિના ખેડૂતો જ અરજી કરી શકશે.
આ યોજનાઓનો લાભ લેવા ઇચ્છુક પાટણ જિલ્લાના પાત્રતા ધરાવતા ખેડૂતોએ તા. ૧૬/૧૦/૨૦૨૬ થી તા. ૩૦/૧૦/૨૦૨૬ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોને નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરી બાગાયત ખાતાની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
