ડભોઇ સરિતા ઓવરબ્રિજ ઉતરતા જ મોતના ખાડા વારંવાર અકસ્માતો અને વાહનો સ્લીપ થતાં લોકોમાં ભારે રોષ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં

કેપિટલ મેસેજ
Capital message
25, October, 2026
ડભોઇ નગરમાં પ્રવેશવા માટેના મુખ્ય માર્ગ સમાન સરિતા ઓવરબ્રિજ પરથી ડભોઇ તરફ ઉતરતા ઢાળ પાસે જ રસ્તા પર વિશાળ અને જોખમી ખાડા પડી જતાં વાહનચાલકો માટે જીવનું જોખમ ઊભું થયું છે. સ્થાનિક રહીશો અને રાહદારીઓ આ ખાડાઓને હવે ‘મોતના ખાડા’ તરીકે ઓળખાવી રહ્યા છે બ્રિજ પરથી પૂરઝડપે ઉતરતા વાહનોને અચાનક આ ખાડા નજરે પડતા ચાલકો કાબૂ ગુમાવી બેસે છે.

જેના કારણે અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને દ્વિચક્રી વાહનચાલકો વાહન સ્લીપ થઈ જવાના કારણે રસ્તા પર પટકાતાં ગંભીર ઈજાઓનો ભોગ બની રહ્યા છે. રાત્રિના અંધકારમાં કે ટ્રાફિકના સમયે આ સ્થિતિ અત્યંત ગંભીર અને જીવલેણ સાબિત થઈ રહી છે સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, આ માર્ગ પરથી રોજેરોજ હજારો વાહનો પસાર થાય છે તેમ છતાં ડભોઇ નગરપાલિકાના સત્તાધીશો કે સંબંધિત વિભાગ દ્વારા આ જોખમી ખાડાઓ પૂરવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. તંત્રની આ ઘોર બેદરકારીના કારણે કોઈ નિર્દોષ નાગરિક પોતાનો જીવ ગુમાવે તે પહેલાં સત્તાધીશો જાગે તે જરૂરી બન્યું છે.નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલાં તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું સમારકામ કરીને ડામર પેચવર્ક કરવામાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
