ડભોઇનું ઐતિહાસિક તળાવ ગંદકીથી ખદબદ્યું, સ્વચ્છતા અભિયાનના દાવા પોકળ

ડભોઇ સહયોગ શાક માર્કેટનું ઐતિહાસિક તળાવ ગંદકીથી ખદબદ્યું, રોગચાળો ફેલાવાની ભીતિ વચ્ચે પાલિકાના સ્વચ્છતા અભિયાનના દાવા પોકળ
કેપિટલ મેસેજ
Capital message
ડભોઇ નગરમાં મધ્યમાં આવેલું જાણીતું સહયોગ શાક માર્કેટ પાસેનું તળાવ હાલ ભારે ગંદકી અને બદહાલીનું કેન્દ્ર બન્યું છે સમગ્ર તળાવ પરિસર અને માર્કેટની આસપાસ કચરાના ઢગ જામી જતાં વિસ્તાર દુર્ગંધથી ખદબદી રહ્યો છે.
રોજિંદા શાકભાજીની ખરીદી માટે દૂર-દૂરથી આવતી હજારો મહિલાઓ અને સ્થાનિક નગરજનોને અસહ્ય ગંદકી અને દુર્ગંધ વચ્ચેથી પસાર થવાની ફરજ પડી રહી છે સ્થાનિક પરિસ્થિતિ અત્યંત દયનીય બની ચૂકી છે. માર્કેટ વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલીઓ, ખાલી પ્લાસ્ટિક બોટલો તેમજ સડેલા શાકભાજીનો કચરો સીધો તળાવમાં ફેંકવામાં આવી રહ્યો છે. તેના કારણે તળાવનું પાણી સડી ગયું છે અને તેમાંથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે.

આ ગંદકીના કારણે મચ્છર અને માખીઓનો ઉપદ્રવ વધ્યો છે, જેથી આસપાસના વિસ્તારોમાં મોટો રોગચાળો ફાટી નીકળે તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે.એક તરફ ડભોઇ નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્વચ્છતા અભિયાન ચલાવવાના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, ત્યારે બીજી તરફ નગરની મધ્યમાં આવેલી આ ગંદકી તંત્રની લાપરવાહીની ચાડી ખાઈ રહી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર અને બેનરો પૂરતું સીમિત રહી ગયું છે, જ્યારે જમીની હકીકત સાવ વિપરીત છે.આ મામલે સ્થાનિક વેપારીઓ અને નગરજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે નિંભર બનેલું પાલિકા તંત્ર ક્યારે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે અને આ ઐતિહાસિક તળાવ તેમજ માર્કેટમાંથી ગંદકી હટાવી નાગરિકોને રાહત આપશે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
