જીયા ક્રિકેટ એકેડમી રાધનપુરના ચાર ખેલાડીઓનું સિલેક્શન

જીયા ક્રિકેટ એકેડમી રાધનપુરના ચાર ખેલાડીઓનું પાટણ જિલ્લા અંડર-16 કેમ્પમાં ગૌરવપૂર્ણ સિલેક્શન
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
રાધનપુરની જાણીતી ક્રિકેટ તાલીમ સંસ્થા જીયા ક્રિકેટ એકેડમી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. એકેડમીના ચાર પ્રતિભાશાળી યુવા ખેલાડીઓનું પાટણ જિલ્લા અંડર-16 ક્રિકેટ ટીમના કેમ્પ માટે સિલેક્શન થતા રમતજગતમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.

પસંદગી પામેલા ખેલાડીઓમાં ઝહીર ઘાંચી, પારસ પ્રકાશભાઈ કોળી, હેત કનુભાઈ સોની તથા હિતેષ જીવતભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે. ચારેય ખેલાડીઓએ સતત મહેનત, નિયમિત પ્રેક્ટિસ અને શિસ્તબદ્ધ રમત દ્વારા આ સિદ્ધિ મેળવી છે. તેમના સિલેક્શનથી રાધનપુર શહેર તેમજ સમગ્ર વિસ્તારના ક્રિકેટપ્રેમીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.એકેડમીના કોચ ભાવેશ સાધુના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓને આધુનિક ક્રિકેટ તાલીમ, ઉત્તમ સુવિધાઓ અને રમત સાથે સંસ્કારનું પણ શિક્ષણ આપવામાં આવે છે. “સખત મહેનત, સારી સુવિધાઓ, શિસ્ત-સંસ્કાર અને ટીમ ભાવના” જેવા સૂત્રોને આધાર બનાવી જીયા ક્રિકેટ એકેડમી સતત નવા પ્રતિભાશાળી ખેલાડીઓ તૈયાર કરી રહી છે.

કોચ ભાવેશ સાધુએ જણાવ્યું હતું કે, એકેડમીનો મુખ્ય હેતુ માત્ર ખેલાડી બનાવવાનો નથી પરંતુ સારા સંસ્કાર અને રમતિયાળ ભાવના ધરાવતા ચેમ્પિયન તૈયાર કરવાનો છે. ખેલાડીઓની આ સિદ્ધિ અન્ય યુવાનો માટે પણ પ્રેરણારૂપ બનશે.રાધનપુર જેવી નાની જગ્યામાંથી સતત ક્રિકેટ પ્રતિભાઓ આગળ આવી રહી છે, તે સ્થાનિક રમતગમત માટે ગૌરવની બાબત છે. જીયા ક્રિકેટ એકેડમી દ્વારા કરવામાં આવતી મહેનત અને ખેલાડીઓની લગનનું પરિણામ હવે જિલ્લા સ્તરે દેખાવા લાગ્યું છે. આગામી સમયમાં આ યુવા ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ રાધનપુર અને પાટણ જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત થઈ રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
