ડભોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર મોતનું ગાબડું; તંત્રની ઘોર બેદરકારી સામે પ્રજામાં રોષ અધિકારીઓની ઓફિસથી માત્ર ૫૦૦ મીટર દૂર મસમોટું ધોવાણ છતાં તંત્ર ‘કુંભકર્ણ’ નિદ્રામાં; શું કોઈ મોટી દુર્ઘટનાની જોવાય છે રાહ

કેપિટલ મેસેજ, ન્યુઝ
ડભોઇ વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને જોડતા મુખ્ય માર્ગ પર ડભોઇની થરવાસા ચોકડી પાસે તંત્રની ભયાનક નિષ્ક્રિયતા સામે આવી છે. ચોમાસા દરમિયાન રોડના એક ભાગમાં થયેલું મસમોટું ધોવાણ બે મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી રિપેર કરવામાં આવ્યું નથી. આ સ્થિતિ જોતા એવું લાગે છે કે સ્ટેટ હાઇવેના અધિકારીઓ પાસે આ જોખમી ખાડો પુરવાનો સમય નથી જોખમી ધોવાણ: સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મુખ્ય માર્ગ પર હજારો પ્રવાસીઓના વાહનોની સતત અવરજવર રહે છે. રસ્તાની બરોબર વચ્ચે કે સાઈડમાં પડેલું આ મોટું ગાબડું ગમે ત્યારે જીવલેણ અકસ્માતને નિમંત્રણ આપી શકે છે.

અધિકારીઓની આંખ નીચે અંધેર: આશ્ચર્યની વાત તો એ છે કે જ્યાં આ ધોવાણ થયું છે, ત્યાંથી સ્ટેટ હાઇવેના અધિકારીઓની ઓફિસ માત્ર ૫૦૦ મીટરના અંતરે જ આવેલી છે. રોજ અહીંથી પસાર થતા અધિકારીઓને આ જોખમ કેમ દેખાતું નથી તે એક મોટો પ્રશ્ન છે.
પ્રવાસીઓની સુરક્ષા સામે સવાલ: દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ અજાણ હોવાથી રાત્રિના સમયે કે સ્પીડમાં આવતા વાહનો આ ગાબડાને કારણે મોટી દુર્ઘટનાનો ભોગ બની શકે છેજનતાનો સવાલ: જવાબદાર કોણ?
સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કેજો કોઈ મોટો અકસ્માત કે જાનહાનિ થશે, તો તેની જવાબદારી કોની રહેશે શું તંત્ર માત્ર એસી ઓફિસોમાં બેસીને કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે બે મહિનાથી ચાલી રહેલી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં વિલંબ કેમ?
તંત્ર વહેલી તકે જાગે તે જરૂરી હવે જોવાનું એ રહે છે ઊંઘતું તંત્ર જાગશે કે પછી કોઈ નિર્દોષનો ભોગ લેવાયા બાદ જ કામગીરી શરૂ કરવામાં આવશે. જનતાની માંગ છે કે આ ધોવાણનું વહેલી તકે કાયમી નિરાકરણ લાવવામાં આવે.
રિપોર્ટ : ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
