સમીના રણાસર તળાવમાં અસંખ્ય માછલીઓના મોતથી ચકચાર, દુર્ગંધથી લોકો ત્રસ્ત- આરોગ્ય સંકટની ભીતિ વચ્ચે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
ઉનાળાની શરૂઆતમાં જ આવી ઘટના બનતા લોકોમાં અનેક સવાલો ઉભા થયા…
તળાવમાં મરી ગયેલી માછલીઓ પાણીની સપાટી પર તરતી જોવા મળતાં આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ…

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના સમી તાલુકામાં આવેલ રણાસર તળાવમાં અચાનક મોટી સંખ્યામાં માછલીઓના મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તળાવમાં મરી ગયેલી માછલીઓ પાણીની સપાટી પર તરતી જોવા મળતાં આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓ ભારે પરેશાની અનુભવી રહ્યા છે.
દુર્ગંધ એટલી તીવ્ર બની ગઈ છે કે તળાવ આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. માર્ગ પરથી પસાર થતા લોકોને પણ આ પરિસ્થિતિમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ સ્થાનિકોમાં આરોગ્ય અંગે ગંભીર ચિંતા અને રોગચાળો ફેલાવાની દહેશત વ્યાપી ગઈ છે.
આ મામલે પાટણ મત્સ્ય ઉદ્યોગ વિભાગના સંજયભાઈ પટેલે પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું કે તળાવમાં પાણીનું સ્તર ઘટવું અને ભેજવાળા વાતાવરણને કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ ગયું હોવાની શક્યતા છે, જેના કારણે માછલીઓના મોત થયા હોવાનું અનુમાન છે. જોકે, આ અંગે ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું.
સ્થાનિક લોકોનું કહેવું છે કે તળાવમાં પ્રદૂષણ અથવા અન્ય કોઈ કારણ પણ જવાબદાર હોઈ શકે છે, જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ઉનાળાની શરૂઆતમાં જ આવી ઘટના બનતા લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે.
સ્થાનિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક માગણી કરી છે કે તળાવમાં મરી ગયેલી માછલીઓનો યોગ્ય અને ઝડપી નિકાલ કરવામાં આવે તેમજ દુર્ગંધ અને સંભવિત પ્રદૂષણથી લોકોને રાહત અપાવવામાં આવે. સાથે જ પાણીની ગુણવત્તા અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓની તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે.આ સમગ્ર ઘટનાને પગલે તંત્ર દ્વારા ઝડપી પગલાં લેવામાં આવે અને લોકોને આરોગ્ય સંકટમાંથી બચાવવામાં આવે તે અત્યંત આવશ્યક બની ગયું છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
