પાટણના ચકચારી ‘યુસુફખાન મર્ડર કેસ’નો ભેદ ઉકેલાયો: કુખ્યાત ઝહીર ઉર્ફે ખોખરો સહિત 4 આરોપીઓ ઝડપાયા

ત્રણ રાજ્યોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતો મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં: ₹4.20 લાખનો મુદ્દામાલ જપ્ત, વધુ 2 આરોપીઓની શોધખોળ ચાલુ..
કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ શહેરમાં ચાર દિવસ અગાઉ ધોળા દિવસે થયેલી ચકચારી હત્યાના કેસમાં પાટણ પોલીસને મોટી સફળતા મળી છે. નીલમ સિનેમા રોડ વિસ્તારમાં ભેંસોના વેપારી યુસુફખાન પઠાણ પર અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરનાર ગેંગનો ભેદ ઉકેલી પોલીસે મુખ્ય સૂત્રધાર ઝહીર ખાન ઉર્ફે ખોખરો બેલીમ સહિત કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા અલગ-અલગ છ ટીમો બનાવી ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને પકડવા માટે પોલીસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાટણ શહેરના બુકડી વિસ્તારમાં બાળકો વચ્ચે થયેલી નાની તકરારને લઈ મૃતક યુસુફખાન પઠાણના પરિવારજનો અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઝહીર ઉર્ફે ખોખરો બેલીમ વચ્ચે અગાઉ સામસામે મારામારી થઈ હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદો પણ નોંધાઈ હતી. જૂની અદાવતને કારણે આરોપીઓએ મૃતક સામે બદલો લેવાની યોજના ઘડી હતી.
ઘટનાના દિવસે યુસુફખાન પોતાની સ્વીફ્ટ કારમાં નીલમ સિનેમા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઝહીર ઉર્ફે ખોખરો પોતાના સાગરીતો સાથે ત્યાં ધસી આવ્યો હતો. આરોપીએ પોતાની પાસે રહેલી રિવોલ્વરથી કાર પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ગોળી કારના કાચને આરપાર થઈ યુસુફખાનને વાગતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ધોળા દિવસે થયેલી આ ફાયરિંગની ઘટનાથી પાટણ શહેરમાં ભારે ચકચાર મચી હતી.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વડા વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી તથા પાટણ સીટી એ-ડિવિઝનની કુલ છ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓની હલચલ પર નજર રાખી હતી.
તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આરોપીઓ સફેદ રંગની જાયલો કાર (GJ-24-A-8316)માં પાટણ તરફ આવી રહ્યા છે. જેના આધારે પોલીસે વડુ નજીક આડાસ મૂકી વાહનને કોર્ડન કરી આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી જાયલો કાર, રિક્ષા અને મોબાઈલ સહિત કુલ ₹4,20,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ મુજબ મુખ્ય આરોપી ઝહીર ઉર્ફે ખોખરો સામે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ત્રણ રાજ્યોમાં હત્યાના પ્રયાસ, લૂંટ તથા અપહરણ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે ઇમરાનખાન બલોચ સામે પણ પાટણ સીટી એ-ડિવિઝનમાં મારામારી અને જુગારધારા સહિત સાતથી વધુ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે પકડાયેલા તમામ આરોપીઓ રીઢા ગુનેગારો છે અને હત્યા કરતા પહેલા તેઓએ બે દિવસ સુધી મૃતકની રેકી કરી હતી. હાલ ચારેય આરોપીઓની ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તીવ્ર શોધખોળ હાથ ધરવામાં આવી છે.
રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
