રાધનપુરમાં વીવીઆઈપી આગમનથી શહેર ઠપ્પ,કલાકો સુધી ટ્રાફિક જામ,દર્દીઓ સહીત સરકારી બસો અને વાહન ચાલકો પરેશાન

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના કાફલા દરમિયાન રાધનપુરમાં મુખ્ય માર્ગો બ્લોક કરાયા ,વિકલ્પ માર્ગ વગર વાહનચાલકો અટવાયા
વીવીઆઈપી માટે રાધનપુર શહેર બંધ, જનતા બંધક, રાધનપુરમાં કલાકો સુધી ટ્રાફિક સર્જાયો..કાફલા માટે રસ્તા સીલ, દર્દીઓ અટવાયા વ્યવસ્થા સામે નાગરિકોમાં રોષ
પાટણ જિલ્લાનાં રાધનપુર શહેરમાં આજે આનંદીબેન પટેલ ના આગમનને પગલે ગોઠવાયેલા કડક બંદોબસ્તે સામાન્ય નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. શહેરના મુખ્ય માર્ગો પોલીસ દ્વારા સંપૂર્ણ રીતે બ્લોક કરાતા કલાકો સુધી વાહનવ્યવહાર ઠપ્પ બની ગયો હતો અને લોકો રસ્તા પર જ અટવાઈ ગયા હતા.

રાધનપુર હાઈવે ચાર રસ્તા મુખ્ય માર્ગ, સુઈગામ, નડાબેટ તરફ જતા ત્રણ રસ્તા વિસ્તાર તથા હોનેસ્ટ હોટેલ નજીક વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સરકારી બસમા મુસાફરો, બાઈક ચાલકો, રિક્ષા અને ફોર વ્હીલર વાહનો વચ્ચે કલાકો સુધી હલચલ ન થતા આખું શહેર ટ્રાફિક કંકાસમાં ફેરવાઈ ગયું હતું. અનેક લોકો ગરમી અને ધૂળ વચ્ચે નાના બાળકો સાથે રોડ પર ઊભા રહેવા મજબૂર બન્યા હતા.
ખાસ કરીને હોસ્પિટલ તરફ જતા દર્દીઓ અને તેમના સગાસંબંધીઓને પણ પોલીસે રોકતા ભારે અસંતોષ ફાટી નીકળ્યો હતો. કેટલાક દર્દીઓને સમયસર સારવાર માટે પહોંચવામાં ગંભીર મુશ્કેલી પડી હતી. હોસ્પિટલ જતા લોકોને પણ રાહ જોવી પડી હોવાના આક્ષેપો થયા હતા. લોકોમાં પ્રશ્ન ઉઠ્યો કે , “વીવીઆઈપી માટે રસ્તા ખાલી, પરંતુ દર્દીઓ માટે કેમ નહીં?”
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કોઈ પૂર્વ સૂચના કે ટ્રાફિક ડાયવર્ઝનની વ્યવસ્થા ન હોવાથી રોજિંદા વેપાર પર સીધી અસર પડી હતી. દુકાનો પર ગ્રાહકો પહોંચી શક્યા નહીં અને રોજ કમાઈને જીવતા મજૂરોનો દિવસ બગડ્યો હતો. મુસાફરો બસ સ્ટેન્ડ અને રસ્તાઓ પર કલાકો સુધી રાહ જોતા નજરે પડ્યા હતા.

નાગરિકોમાંથી માંગ ઉઠી છે કે આવનારા સમયમાં આવા કાર્યક્રમો દરમિયાન પૂર્વ જાહેર સૂચના આપવામાં આવે અને ટ્રાફિક ડાયવર્ઝન ગોઠવવામાં આવે તેમજ એમ્બ્યુલન્સ અને હોસ્પિટલ માટે ગ્રીન કોરિડોર રાખવામાં આવે જેથી લોકોને હેરાનગતિ ના રહે તેવું લોકોએ જણાવ્યું હતું. નહીંતર સામાન્ય જનતા માટે વીવીઆઈપી કાર્યક્રમો તકલીફનું કારણ બનતા રહેશે અને ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલ હાલ ઉત્તર પ્રદેશ રાજ્યની રાજ્યપાલ તરીકે કાર્યરત છે તથા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પરંતુ આજના બંદોબસ્તે રાધનપુરમા એક પ્રશ્ન ચોક્કસ ઉભો કર્યો , “વીવીઆઈપી સુરક્ષા મહત્વપૂર્ણ કે જનતાની સુવિધા?” રાધનપુરમાં આજનો દિવસ નાગરિકો માટે મુશ્કેલી અને તંત્ર સામે અસંતોષનો દિવસ બની રહ્યો હતો.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર, પાટણ
