ડભોઇ રેલ્વે પર ઓવર બ્રિજ નું કામ ચાલી રહ્યું છે આ પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર અને બહાર જવા માટેનું એક બ્રીજ કામ ના સાધનો વગર 30 થી 40 ફૂટ પર કામદારો કરી રહ્યા છે કામ

કેપિટલ મેસેજ
Capital message
ડભોઇ રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં સુરક્ષાના નિયમોના ધજાગરા, ૪૦ ફૂટ ઊંચાઈએ જીવના જોખમે કામ કરતા શ્રમિકો હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ કે જેકેટ વગર કામદારો જોખમી સ્થિતિમાં કામ કરવા મજબૂર
મીડિયાના સવાલો પર કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓનો ઉડાઉ જવાબ
અગાઉ બનેલી દુર્ઘટનાઓ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં શું કોઈ મોટી જાનહાનિની રાહ જોવાઈ રહી છે ડભોઇ ખાતે ચાલી રહેલા રેલવે ઓવરબ્રિજના નિર્માણ કાર્યમાં ગંભીર બેદરકારી સામે આવી છે. લાંબા સમયથી ગોકળગાય ગતિએ ચાલતા આ પ્રોજેક્ટમાં શ્રમિકોની સુરક્ષાને લઈને નિયમોની ખુલ્લેઆમ ઐસીતૈસી કરવામાં આવી રહી છે. સ્થળ પર ૩૦ થી ૪૦ ફૂટની ઊંચાઈએ કામ કરી રહેલા શ્રમિકો પાસે સુરક્ષાના પ્રાથમિક સાધનો પણ ઉપલબ્ધ નથી, જેના કારણે ગમે ત્યારે મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે.

નિયમો કાગળ પર: ૧૦ ફૂટથી વધુ ઊંચાઈએ સુરક્ષા સાધનો ફરજિયાત છતાં શૂન્ય અમલ
શ્રમ અને બાંધકામ ક્ષેત્રના સરકારી નિયમો અનુસાર, ૧૦ ફૂટથી વધુ ઊંચાઈએ કામ કરતા દરેક શ્રમિક માટે સેફ્ટી બેલ્ટ (હાર્નેસ), હેલ્મેટ, સેફ્ટી શૂઝ, ગ્લોવ્ઝ અને રિફ્લેક્ટર જેકેટ અનિવાર્ય છે. જોકે, ડભોઇ ઓવરબ્રિજના સ્થળ પર વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. ૩૦ થી ૪૦ ફૂટ ઊંચા થાંભલાઓ અને સ્લેબ પર કામ કરતા મજૂરો કોઈપણ જાતના સેફ્ટી બેલ્ટ કે હેલ્મેટ વગર કામ કરી રહ્યા છે. પગ લપસે તો સીધા મોતને ભેટવું પડે તેવી સ્થિતિ વચ્ચે ગરીબ મજૂરો પરિવારનું પેટ ભરવા માટે જીવ જોખમમાં મૂકવા મજબૂર બન્યા છે.

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો AC કેબિન સુધી મર્યાદિત આ બાબતે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટર અને નિરીક્ષણ માટે નીમાયેલા સરકારી અધિકારીઓ સાઇટ પર માત્ર નામ પૂરતો આંટો મારીને જતાં રહે છે અને મોટાભાગનો સમય એર કન્ડિશન્ડ (AC) ઓફિસોમાં બેસીને કાગળ પર બધું ‘ઓલ વેલ’ દર્શાવવામાં વ્યસ્ત રહે છે. જ્યારે આ ગંભીર બેદરકારી અંગે મીડિયા દ્વારા કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ સીધો જવાબ આપવાને બદલે ગોળ-ગોળ જવાબો આપીને પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા ભૂતકાળની દુર્ઘટનાઓમાંથી પણ બોધપાઠ નહીં અગાઉ પણ રેલવેના બાંધકામ દરમિયાન બે વખત નાની-મોટી દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે, જેમાં કેટલાક શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આમ છતાં, તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ સુધારો કરવામાં આવ્યો નથી. શું ગરીબ શ્રમિકોના જીવની કોઈ કિંમત નથી? કોઈ મજૂરનો જીવ જશે ત્યારે જ તંત્રની આંખ ખુલશે તેવા અનેક સવાલો સ્થાનિક જાગૃત નાગરિકોમાં ઉઠી રહ્યા છે.
હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર તપાસ કરીને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરે છે કે પછી કોઈ મોટી હોનારત સર્જાયા બાદ જ ઔપચારિક તપાસના આદેશો અપાશે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
