રાધનપુર પોલીસ સ્ટેશનનું IG (આઇજી) પરીક્ષિતા રાઠોડ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન

પોલીસની કામગીરીથી પ્રસન્ન થઈ આઈજીએ સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપ્યું, ઇન્ચાર્જ DYSP પરેશ રેણુકાએ સન્માન કર્યું
કેપિટલ મેસેજ
Capital message
રાધનપુર: બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ચાર્જ ડીવાયએસપી પરેશ રેણુકા દ્વારા આઈજી પરીક્ષિતા રાઠોડનું સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનની કામગીરી, રજિસ્ટર-રેકોર્ડ તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આઈજીએ રાધનપુર પોલીસની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરી હતી.
ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી અધિકારીઓ પાસેથી કામગીરી અંગેની વિગતો મેળવવામાં આવી હતી. પોલીસ મથકમાં જાળવવામાં આવતા રેકોર્ડ, ફરિયાદોના નિકાલની પ્રક્રિયા, ગુનાઓની તપાસની પ્રગતિ, પેન્ડિંગ કેસોની સ્થિતિ તેમજ નાગરિકોને આપવામાં આવતી પોલીસ સેવાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

આઈજી પરીક્ષિતા રાઠોડે પીઆઈ આર.બી. વાધીયા સહિત સમગ્ર પોલીસ સ્ટાફની કામગીરીની સરાહના કરી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ પ્રજાની ફરિયાદોના સમયસર નિરાકરણ માટે પોલીસ દ્વારા કરવામાં આવતા પ્રયાસો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
સમીક્ષા બાદ આઈજીએ પોલીસ સ્ટાફને પ્રજાલક્ષી અભિગમ સાથે કામગીરી કરવા, કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ જાળવી રાખવા તેમજ કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ઇન્ચાર્જ ડીવાયએસપી પરેશ રેણુકા, પીઆઈ આર.બી. વાધીયા સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉચ્ચ અધિકારી તરફથી કામગીરીની પ્રશંસા મળતા રાધનપુર પોલીસ સ્ટાફમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
