સમીમાં ‘મત બચાવો, દેશ બચાવો’ના નારા સાથે કોંગ્રેસના ધરણાં

SIR પ્રક્રિયા સામે વિરોધ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું; કાળા વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરી કોંગ્રેસનો વિરોધ
કેપિટલ મેસેજ
Capital message
સમી: ‘મત બચાવો, દેશ બચાવો’ અને લોકશાહીના રક્ષણના મુદ્દે સમી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સમી પ્રાંત કચેરી ખાતે યોજાયેલા ધરણાં દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ SIR સહિતની ચૂંટણીલક્ષી પ્રક્રિયા સામે વિરોધ નોંધાવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે દેશભરમાં SIR પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. મતદાર યાદીમાં થયેલા ફેરફારોની પારદર્શક પ્રક્રિયા, યોગ્ય ચકાસણી અને મતદારોના અધિકારોનું રક્ષણ કરવાની માંગ સાથે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો.

આ કાર્યક્રમમાં સમી તાલુકા ઉપરાંત શંખેશ્વર, ચાણસ્મા અને હારીજ વિસ્તારના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા જ્ઞાનેશ કુમારના પૂતળા દહનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું.
દરમિયાન, કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કાળા વસ્ત્રો તથા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના જણાવ્યા મુજબ, તાજેતરમાં દિલ્હીમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના સાંસદો સામે થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં દેશભરમાં ‘કાળો દિવસ’ મનાવવામાં આવ્યો હતો. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ રબારીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આ ઘટનાને સંવિધાન અને લોકશાહી સાથે જોડાયેલા મુદ્દા તરીકે જોઈ રહી છે અને તેનો વિરોધ ચાલુ રાખવામાં આવશે.

કોંગ્રેસે રજૂઆત કરી હતી કે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય અને મતદારોના અધિકારોનું રક્ષણ થાય તે માટે સરકાર તથા જવાબદાર અધિકારીઓ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે. અન્યથા આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
