પાટણ | રાધનપુરમાં હડકાયા કૂતરાનો આતંક, 12 જેટલા લોકોને બચકા ભર્યા

કેપિટલ મેસેજ
Capital message
પાટણના રાધનપુર તાલુકામાં હડકાયા કૂતરાઓના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. દેલાણા સહિત ગોતરકા, ગુલાબપુરા અને રામેશ્વર ગામમાં કૂતરાઓએ 12 જેટલા લોકોને બચકા ભર્યાની માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોતરકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
કૂતરા કરડવાના બનાવોમાં બાળકો સહિત 12 જેટલા લોકોને સારવારની જરૂર પડી છે. રાધનપુર રેફરલ હોસ્પિટલમાં હડકવા વિરોધી સારવાર માટે જરૂરી ઇન્જેક્શન, જેમાં ઇમ્યુનોગ્લોબ્યુલિનનો પણ સમાવેશ થાય છે, ઉપલબ્ધ ન હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઇન્જેક્શન ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓને રાધનપુરથી પાટણની ધારપુર મેડિકલ કોલેજ ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જેના કારણે દર્દીઓના પરિવારજનોને સારવાર સાથે વધારાનો વાહન ખર્ચ પણ ભોગવવો પડી રહ્યો છે.
ખાસ કરીને દેલાણા પ્રાથમિક શાળાના કેટલાક બાળકો પણ કૂતરાના હુમલાનો ભોગ બન્યા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને હોસ્પિટલમાં જરૂરી હડકવા વિરોધી દવાઓ અને ઇન્જેક્શન તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે આરોગ્ય જેવી ગંભીર બાબતમાં દર્દીઓને સારવાર માટે દૂર સુધી રીફર કરવા પડે તે ચિંતાજનક છે. સ્થાનિક ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને આરોગ્ય તંત્ર સામે પણ ગ્રામજનોએ સવાલો ઉઠાવ્યા છે.
ગ્રામજનો દ્વારા ધારાસભ્યને નિશાન બનાવી આક્ષેપ કરવામાં આવ્યો કે, “ડાયરામાં નાચવા કરતાં હોસ્પિટલમાં દવા ઉપલબ્ધ કરાવવા ધ્યાન આપવું જોઈએ.” આમ, સમગ્ર મામલે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
