રાણીની વાવ ખાતે ‘મન કી બાત’નું જીવંત પ્રસારણ નિહાળાયું

કેપિટલ મેસેજ
Capital message
પાટણ: વિશ્વ વિરાસત સ્થળ રાણીની વાવ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ની 138મી કડીનું જીવંત પ્રસારણ યોજાયું હતું. આ પ્રસંગે પાટણ શહેરના પ્રબુદ્ધ નાગરિકો, ભાજપના આગેવાનો તથા કાર્યકરોએ ઉપસ્થિત રહી કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

‘મન કી બાત’ના આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિક સુરક્ષા સહિત વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર દેશવાસીઓને સંબોધ્યા હતા. ગુજરાતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની વાત કરતાં તેમણે મોઢેરા સૂર્યમંદિરના ભવ્ય ઇતિહાસનો ઉલ્લેખ કર્યો હતો. મોઢેરા સૂર્યમંદિર પર થયેલા આક્રમણોના ઇતિહાસ તથા સોલંકી શાસક ભીમદેવ સોલંકી દ્વારા આપવામાં આવેલા જવાબની પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ વર્તમાન સમયમાં મોઢેરાને ‘સૂર્ય વિલેજ’ તરીકે વિકસિત કરવાની દિશામાં થઈ રહેલા પ્રયાસો અંગે પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત સ્વચ્છતા અભિયાન, મિલેટ્સના ઉપયોગ થકી કુપોષણ નાબૂદી, ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ સહિતના વિવિધ જનહિતલક્ષી અને રાષ્ટ્ર વિકાસ સાથે જોડાયેલા વિષયો અંગે પણ વડાપ્રધાન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકોએ દૂરદર્શનના માધ્યમથી પોતાના પ્રતિભાવો પણ વ્યક્ત કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પ્રભારી સત્યનભાઈ ફુલા બકર, ભાજપ જિલ્લા પ્રમુખ રમેશભાઈ સિંધવ, મહામંત્રી સંજયભાઈ પટેલ, લાલાભાઈ દેસાઈ, બાબુજી ઠાકોર, એ.પી.એમ.સી. ચેરમેન સ્નેહલ પટેલ, કાર્યક્રમ કો-ઓર્ડિનેટર સુરેશભાઈ જોશી, ગૌરવ મોદી સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. રાણીની વાવ જેવા વિશ્વવિખ્યાત ઐતિહાસિક વારસાના સ્થળે યોજાયેલા આ કાર્યક્રમથી ઉપસ્થિતોમાં રાષ્ટ્ર અને વારસા પ્રત્યેની જાગૃતિનો સંદેશ પ્રસરી રહ્યો હતો.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
