રાધનપુર નગરપાલિકામાં ઉપપ્રમુખે પ્રમુખ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

ગટર, પાણી, વિકાસકામો અને બજેટના હિસાબની માંગ સાથે સોશિયલ મીડિયા પર આક્રમક રજૂઆત; પ્રમુખના પતિ પર વહીવટી હસ્તક્ષેપનો આક્ષેપ
કેપિટલ મેસેજ
Capital message
રાધનપુર: રાધનપુર નગરપાલિકામાં આંતરિક મતભેદો હવે જાહેરમાં સામે આવતાં પાલિકાના વહીવટને લઈને સવાલો ઉઠ્યા છે. નગરપાલિકાના ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રમુખ સામે ગટર સફાઈ, પાણી ભરાવા, વિકાસકામો, બજેટના ખર્ચ અને પાલિકાના વહીવટ સહિતના મુદ્દે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ઉપપ્રમુખની રજૂઆત બાદ પાલિકાના આંતરિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કરના જણાવ્યા મુજબ વોર્ડ નંબર 2 અને 3 સહિત પટાણી દરવાજાથી મીરા દરવાજા તરફ જવાના માર્ગ, લાલબાગ, જીગર જ્વેલર્સ અને નીલકંઠ મોબાઈલ તરફના વિસ્તારોમાં લાંબા સમયથી પાણી ભરાવાની સમસ્યા છે. ચોમાસા પહેલાં ગટર સફાઈ કરવામાં આવી ન હોવાના કારણે વરસાદી પાણી અને ગંદા પાણીની સમસ્યા વકરી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો ન હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
ઉપપ્રમુખે વધુમાં પાલિકા પ્રમુખના પતિ વિક્રમ જોશી પર પાલિકાના વહીવટમાં હસ્તક્ષેપ કરવાનો આક્ષેપ કરી સવાલ ઉઠાવ્યો છે કે ચૂંટાયેલા પદાધિકારીઓની જગ્યાએ અન્ય વ્યક્તિ વહીવટી કામગીરીમાં કેટલો હસ્તક્ષેપ કરી શકે? સાથે જ 25 જુલાઈ 2025થી વારંવાર રજૂઆતો કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ ન આવ્યું હોવાનો દાવો કરી જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.
મોનસૂન પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવેલા બે બજેટના ખર્ચનો હિસાબ પણ ઉપપ્રમુખે માંગ્યો છે. નગરપાલિકામાં વિકાસ અને વરસાદી વ્યવસ્થાના નામે થયેલા ખર્ચ સામે જમીની હકીકત શું છે, કામો ક્યાં અને કેટલા થયા તથા ખર્ચનો વિગતવાર હિસાબ શું છે તે અંગે પારદર્શિતા સાથે માહિતી જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત એસ.ટી. બસ સ્ટેન્ડથી આસ્થા હોસ્પિટલ તરફનો માર્ગ અને ભાભર રોડની ખરાબ સ્થિતિનો મુદ્દો પણ ઉપપ્રમુખે ઉઠાવ્યો છે. ડિવાઈડરના કામમાં પણ ખામીઓ હોવાના આક્ષેપ સાથે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે. નવરાત્રી પહેલાં શહેરના મુખ્ય માર્ગો, ગટર અને પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ સાથે પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો જનતા સાથે વિરોધ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
પાલિકાના સત્તાધારી પક્ષના જ ઉપપ્રમુખ દ્વારા પ્રમુખના વહીવટ સામે જાહેરમાં સવાલો ઉઠાવવામાં આવતા નગરપાલિકાની આંતરિક સ્થિતિ ચર્ચાનો વિષય બની છે. બીજી તરફ વિપક્ષના નેતા જયાબેન ઠાકોરે પણ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવી વહીવટની કામગીરી અંગે જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.
પ્રમુખનું મૌન, જવાબ આપવાનું ટાળ્યું
ઉપપ્રમુખ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અને ઉઠાવવામાં આવેલા ગંભીર સવાલો અંગે પાલિકા પ્રમુખ ભાવનાબેનનો પક્ષ જાણવા માટે બાઈટ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે પાલિકા પ્રમુખ બાઈટ આપવા તૈયાર ન થયા અને આ સમગ્ર મામલે કોઈ નિવેદન આપવા પણ તૈયાર ન હોવાનું સામે આવ્યું છે. જેના કારણે ઉપપ્રમુખના આક્ષેપો સામે પ્રમુખ પક્ષની સ્પષ્ટતા શું છે તે અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી.
રાધનપુર નગરપાલિકાના સત્તાધારી પક્ષના જ પદાધિકારીઓ વચ્ચે જાહેરમાં સામે આવેલા મતભેદો વચ્ચે હવે ગટર, પાણી, રસ્તા, વિકાસકામો અને બજેટના ખર્ચ જેવા મૂળભૂત પ્રશ્નોનો નિકાલ ક્યારે આવશે તે જોવું મહત્વનું બની રહ્યું છે. પદાધિકારીઓ વચ્ચેની ખેંચતાણનો ભોગ શહેરની જનતા ન બને અને વિકાસકામો તથા પ્રાથમિક સુવિધાઓને અસર ન થાય તે માટે પાલિકા તંત્ર સામે હવે જવાબદારીપૂર્વક કામગીરી કરવાની માંગ ઉઠી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
