પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે ‘ હિન્દી દિવસ’ની ભવ્ય અને ભાવાત્મક ઉજવણી

કેપિટલ મેસેજ
Capital message
ભાષા એ માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારોની વાહક છે. ભારતીય સંસ્કૃતિના આત્મા સમાન રાષ્ટ્રભાષા હિન્દીનું મહત્ત્વ વિદ્યાર્થીઓ સમજે, તેના સમૃદ્ધ સાહિત્ય પ્રત્યે અભિરુચિ કેળવાય અને ભાષાકીય એકતાની ભાવના સુદૃઢ થાય તેવા શુભ આશય સાથે પાટણ સ્થિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ખાતે ‘ હિન્દી દિવસ’ની અત્યંત ભાવસભર અને ઉત્સાહવર્ધક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિસર હિન્દી સાહિત્યિક સુવાસ અને સાંસ્કૃતિક ચેતનાથી મઘમઘી ઊઠ્યું હતું.
કાર્યક્રમનો શુભારંભ અને પ્રાસંગિક વક્તવ્ય
સુંદર પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમની વિધિવત શરૂઆત થઈ હતી. શાળાના મદદનીશ શિક્ષક ડૉ. દાનેશ મોદીએ પોતાના પ્રભાવશાળી અને પ્રાસંગિક વક્તવ્યમાં ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ના ઐતિહાસિક દિવસને યાદ કરાવ્યો હતો. તેમણે ભારતીય બંધારણમાં હિન્દી ભાષાના સ્થાન, તેની વૈશ્વિક સ્વીકાર્યતા અને દેશને એકતાના સૂત્રમાં બાંધવામાં હિન્દીના અતુલ્લક્ષી પ્રદાન વિશે વિદ્યાર્થીઓને ખૂબ જ સરળ અને સાહજિક શૈલીમાં માહિતગાર કર્યા હતા.
વિદ્યાર્થીઓ દ્વારા સાહિત્યિક અભિવ્યક્તિ
શાળાની તેજસ્વી વિદ્યાર્થિનીઓ કૃપાબા વાઘેલા અને હુનૈના શેખે હિન્દી ભાષાના મહત્ત્વ અને તેની મીઠાશ પર પોતપોતાના મનનીય વિચારો રજૂ કર્યા હતા. તેમણે દાર્શનિક અને કાવ્યાત્મક શૈલીમાં સમજાવ્યું હતું કે કેવી રીતે હિન્દી ભાષા વિવિધ પ્રદેશોના લોકોને એક તાંતણે બાંધે છે. તેમની વક્તૃત્વ કળાએ ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા.
શાળાના આચાર્યશ્રી ડૉ. ઝુઝારસંગ સોઢાએ જણાવેલ કે હિન્દી સાહિત્યની અમર ધરોહર સમાન સાહિત્યકારોનો રસપ્રદ પરિચય આપતી ભાષા છે. કબીર અને રહીમના નીતિશાસ્ત્ર અને વ્યવહારિક દોહાઓની ગૂઢતા તથા
સૂરદાસ અને તુલસીદાસની ભક્તિરસથી ઝબકોળાયેલી કાવ્યસૃષ્ટિની ભાષા એટલે હિન્દી ભાષા છે.
વક્તાશ્રી દ્વારા મુન્શી પ્રેમચંદની સામાજિક ચેતના અને વાસ્તવિક જીવનને સ્પર્શતી નવલકથાઓની રોચક વાતો કરી.મૈથિલીશરણ ગુપ્ત, રામધારી સિંહ ‘દિનકર’ અને અજ્ઞેયજી: ની રાષ્ટ્રપ્રેમ, શૌર્ય અને આધુનિક સંવેદનાઓથી સભર રચનાઓનો ચિતાર આપી વિદ્યાર્થીઓમાં સાહિત્યપ્રીતિનો નવો સંચાર કર્યો હતો.
સાહિત્યિક વાતો સાથે સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા: શાળાના વિદ્યાર્થીઓએ કવિ માખનલાલ ચતુર્વેદીની અમર રચના “ચાહ નહીં મેં સુરબાલા કે ગહનો મેં ગૂંથા જાઊં…”, “ધરતી કી શાન”, “સત્યમ શિવમ સુન્દરમ” જેવા દેશભક્તિ અને ભક્તિરસથી સભર ગીતો તેમજ કબીર-રહીમની દોહાવલીનું મધુર ગાન કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધો હતો.
ધોરણ-૯ ના વિદ્યાર્થીઓએ પ્રખ્યાત હાસ્ય-વ્યંગ નાટક “અંધેરી નગરી, ચોપટ રાજા” નું અદ્ભુત મંચન કર્યું હતું. વિદ્યાર્થીઓના આબેહૂબ અભિનય, સંવાદછટા અને કટાક્ષમય શૈલીએ ઉપસ્થિત સૌને ખડખડાટ હસાવવાની સાથે સમાજ માટેનો ગૂઢ સંદેશ પણ પૂરો પાડ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સુંદર, સુરેખ અને રસપ્રદ સંચાલન ડૉ. દાનેશ મોદીએ કર્યું હતું. કાર્યક્રમના અંતે શિક્ષક શ્રી દીક્ષિતભાઈ પ્રજાપતિએ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માર્ગદર્શકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો…. સમગ્ર કાર્યક્રમના સુંદર આયોજન માટે આ વિશેષ દિવસે કેમ્પસ સંચાલક ડૉ.જય ધ્રુવ સરે સંદેશમાં કહ્યું હિન્દી ભાષા એ દેશની આન બાન અને શાનની પ્રતિક સમી છે.. તથા આયોજન બદલ અભિનંદન
