કુણઘેર ખાતે “આંગણ મિલન સેવા – આંગણા ઉત્સવ” યોજાયો

બાળકોના સર્વાંગી વિકાસ અને પોષણ અંગે વાલીઓ-ગ્રામજનોમાં જાગૃતિ ફેલાવાઈ
કેપિટલ મેસેજ
Capital message
પાટણ જિલ્લાના કુણઘેર ગામ ખાતે તા. ૨૯/૦૯/૨૦૨૬ના રોજ “આંગણ મિલન સેવા – આંગણા ઉત્સવ” કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો હેતુ બાળકોના સર્વાંગી વિકાસ, આરોગ્ય, પોષણ તેમજ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અંગે વાલીઓ તથા ગ્રામજનોમાં જાગૃતિ લાવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન બાળકો માટે વિવિધ રમતો, બાળગીતો તથા આનંદપ્રદ શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. કિશોરીઓ માટે “પોષણ થાળી” વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં કિશોરીઓએ સંતુલિત અને પોષણયુક્ત આહારનું મહત્વ ચિત્રો દ્વારા રજૂ કર્યું હતું.
આ પ્રસંગે આંગણવાડી કાર્યકર અને તેડાગર દ્વારા આંગણવાડી કેન્દ્રની વિવિધ સેવાઓ તથા બાળકોના વિકાસ માટેની પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સરપંચ, શાળા આચાર્ય, આંગણવાડી કાર્યકર, તેડાગર, બાળકો, કિશોરીઓ, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
“સ્વસ્થ બાળક – સુપોષિત બાળક – સ્વસ્થ કિશોરી – ઉજ્જવળ ભવિષ્ય”ના સંદેશ સાથે કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો.
