બામોસણાથી નગર તેરવાડા સુધી ૫૧ ગાડીઓના કાફલા સાથે ભવ્ય ‘શ્રી ચેહર રાજ ધાર્મિક યાત્રા’ સંપન્ન

કેપિટલ મેસેજ
૨૬, નવેમ્બર, ૨૦૨૬
બામોસણા: શ્રી ચેહર રાજ પરિવાર મંડળ, બામોસણા દ્વારા આયોજક રાજુભાઈ ભુવાજીના માર્ગદર્શન હેઠળ આજ રોજ તા. ૨૪/૧૧/૨૦૨૬, મંગળવારના રોજ ‘શ્રી ચેહર રાજ ધામ, બામોસણા’ થી ‘શ્રી ચેહર રાજ ધામ, નગર તેરવાડા’ સુધી ૫૧ ગાડીઓના વિશાળ કાફલા સાથે ભવ્ય ધાર્મિક યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
સવારે ૮:૦૦ વાગ્યે તમામ સેવકો અને ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં શ્રી ચેહર રાજ ધામ, બામોસણા ખાતેથી ભક્તિમય માહોલમાં આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક યાત્રા બામોસણાથી નીકળી મોટીદાઉ, મહેસાણા બાયપાસ, ધિણોજ, ચાણસ્મા અને હારીજ થઈને રોડા ખાતે આવેલા શ્રી રામદેવપીરના મંદિરે પહોંચી હતી, જ્યાં યાત્રિકો માટે પ્રસાદ અને ૧ કલાકના વિરામનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં રોડા ગામ સ્થાનિક અગ્રણીઓ સહિત લોકોએ માતાજીની યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ યાત્રા આગળ વધી થરા થઈને નિર્ધારિત તીર્થ સ્થળ ‘શ્રી ચેહર રાજ ધામ, નગર તેરવાડા’ ખાતે પહોંચી હતી, જ્યાં ભવ્ય સ્વાગત માતાજી ભક્ત ભુવાજી રાજુભાઈ અને ભાવિક ભક્તોનું કંકુ તિલક, ફૂલો, દર્શન-પૂજન સાથે યાત્રાનું ભવ્ય સમાપન થયું હતું.

આ ધાર્મિક યાત્રાને સફળ બનાવવા બદલ સર્વ ભાવિક ભક્તો, વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો, યુવાનોનો શ્રી ચેહર રાજ પરિવાર મંડળ, બામોસણા તથા આયોજક રાજુભાઈ ભુવાજી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
આયોજક રાજુભાઈ ભુવાજી શ્રી ચેહર રાજ પરિવાર મંડળ, બામોસણા એ જણાવ્યું હતું કે, ગામ બામોસણા, તાલુકો મહેસાણા સ્થિત શ્રી ચેહરધામથી નગર તેરવાડાની યાત્રાએ નીકળ્યા એ પહેલાં માતાજીએ પોણા ચાર વાગ્યે સપનામાં આવીને મને કહ્યું કે, “ભાઈ ભુવાજી, તમે ૫૧ ગાડીઓ લઈને નગર તેરવાડા આવો.” તે સાંભળી હું ડરી ગયો અને માતાજીને કહ્યું કે, “માતાજી, આટલો બધો ભાર મારા માથે કેવી રીતે ઉપાડીશ અને મારી પાસે તો એક પણ ગાડી નથી.” ત્યારે માતાજીએ કહ્યું કે, “તું તારે આગળ વધ, હું તારી આગળ પાંચ ડગલાં રહું છું.”
આજે ૫૧ નહીં, પરંતુ ૬૫ થી ૭૦ ગાડીઓ લઈને નગર તેરવાડામાં આવ્યા. રસ્તામાં ઘણા બધા ગામોમાં સેવકોએ માતાજીનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું. રોડા ગામમાં રામદેવપીરનું મંદિર હતું ત્યાં પણ ગ્રામજનો અગ્રણીઓ દ્વારા અમારું સારું સ્વાગત સન્માન કરવામાં આવ્યું. ઠેર-ઠેર ચેહર માતા ભાવિક ભક્તો સાથે સારા માણસો મળ્યા અને માતાજીનું ભાવવિભોર સ્વાગત કરી ખૂબ નામના મેળવી છે. અમારી સાથે જે સેવકો આવ્યા—કોઈ શ્રદ્ધા લઈને આવ્યા, કોઈ વિશ્વાસ લઈને આવ્યા—એમનો વિશ્વાસ મારી નગરની ચેહર પૂરો કરે એવા પૂરા ઉમંગ સાથે બોલો શ્રી ચેહર માત કી જય

શ્રી ચેહર માતા મંદિર તેરવાડાનાં અંકિત પટેલ ભુવાજી એ જણાવ્યું હતું કે, નગર તેરવાડા એ માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે. માં ચેહરના જગત આખામાં ગામેગામ મોટા મઠ-મંદિરો આવેલા છે અને લાખો શ્રદ્ધાળુઓની ભક્તિ તથા શ્રદ્ધા તેમની સાથે જોડાયેલી છે. આવા મૂળ સ્થાન એવા નગર તેરવાડામાં આજે ‘કેસર ભવાની ફાઉન્ડેશન ટ્રસ્ટ’ ની રચના કરીને નૂતન મંદિર નિર્માણ સાથે ઘણા નવા પ્રોજેક્ટ લઈને માતાજીના નવા મંદિર નિર્માણનું શુભ કાર્ય આજથી આરંભ કરવામાં આવ્યું છે. તારીખ ૩/૦૨/૨૦૨૭ ના રોજ માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત તેમજ ૧૯/૦૨/૨૦૨૭ ના રોજ મંદિરના શિલાન્યાસનું આયોજન રાખવામાં આવેલ છે. આ પ્રસંગે સૌ ભાવિક ભક્તોને અહીં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે.
શ્રી કેસર ભવાની ફાઉન્ડેશન વતી અંકિત પટેલ ભુવાજી, ફાઉન્ડેશનના પ્રતિષ્ઠિત સરપંચ બાબુજી ઠાકોર તેમજ નગર તેરવાડાના ગાદીપતિ શ્રી ઉદાજી ઝાલા — અમે સૌ ભક્તોને બે હાથ જોડીને સાથ અને સહકાર આપવા માટે આમંત્રિત કરીએ છીએ. માતાજીની ભક્તિનો લાભ લો અને માતાજી સર્વે ભક્તોની પૂર્ણ નિષ્ઠાથી સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે એવા આ ગાદીએથી આશીર્વાદ છે.આ ઉપરાંત, માતાજીની બામોસણાથી રાજુભાઈ ભુવાજી તરીકે માતાજીના પૂર્વે દિલપૂર્વક આશીર્વાદ આપનારા અને માતાજીના નિષ્ઠાવાન સેવક એવા વ્યક્તિને પણ ભાવના થઈ કે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે, તો ત્યાં જઈને વંદન કરવા છે અને માતાજીના આશીર્વાદ લેવા છે. તેઓ સર્વે ભાવિક ભક્તો સાથે લોકો આવ્યા હતાં તેનો આનંદ છે, અને તેમની સાથે પધારેલા દરેક ભક્તોના તેમજ કારતક પૂર્ણિમાના દર્શન કરવા આવેલા દરેક ભક્તોની મનોકામનાઓ માં ચેહર પૂરી કરે એવા દિલથી આશીર્વાદ છે.
આ ધાર્મિક બામોસણાથી નગર તેરવાડા સુધી ૫૧ ગાડીઓના કાફલા સાથે ભવ્ય ‘શ્રી ચેહર રાજ ધાર્મિક યાત્રા’માં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો અને યુવાનો જોડાયા હતાં.
