પાટણ જિલ્લાનું ગૌરવ વધારતી નિધિ ધીરજકુમાર બારોટની યોગાસન સ્પર્ધામાં પ્રથમ ક્રમે જીત

જિલ્લાકક્ષાની અંડર-14 યોગાસન સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ₹5,000નું ઇનામ જીત્યું; આર્ટિસ્ટિક સ્પર્ધામાં દ્વિતીય સ્થાન સાથે રાજ્યકક્ષાએ પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે
કેપિટલ મેસેજ
Capital message
પાટણ: પાટણ જિલ્લાના હારીજ ખાતે આવેલી આદર્શ પ્રાથમિક કન્યાશાળાની વિદ્યાર્થીની નિધિ ધીરજકુમાર બારોટે જિલ્લા કક્ષાની અંડર-14 યોગાસન સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નિધિએ પોતાની યોગાસનની પ્રતિભા, નિયમિત મહેનત અને સમર્પણના બળે આ સિદ્ધિ મેળવી શાળા તથા પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
આ સ્પર્ધામાં નિધિ બારોટે યોગાસન સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ₹5,000નું રોકડ ઇનામ મેળવ્યું હતું. આ ઉપરાંત આર્ટિસ્ટિક સ્પર્ધામાં પણ શાનદાર પ્રદર્શન કરીને દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું, જેના બદલામાં તેને ₹3,000નું ઇનામ મળ્યું હતું.
નિધિની આ બેવડી સફળતા તેના યોગાભ્યાસ પ્રત્યેના લગાવ, શિસ્ત અને સતત મહેનતનું પરિણામ છે. હવે નિધિ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે, જે સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે.
આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને શુભેચ્છકોએ નિધિ બારોટને હાર્દિક અભિનંદન પાઠવી રાજ્યકક્ષાની સ્પર્ધામાં પણ સફળતા પ્રાપ્ત કરી પાટણ જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી છે.
નિધિની આ સફળતા અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. અભ્યાસની સાથે રમતગમત અને યોગાસન જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઈને વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભાને નવી ઊંચાઈએ પહોંચાડી શકે છે, તેનો નિધિએ ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
