બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સૈનિક સ્કૂલ રાધનપુરની શાનદાર સિદ્ધિ
વિભાગ-૩માં દ્વિતીય અને વિભાગ-૪માં પ્રથમ ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું
કેપિટલ મેસેજ
Capital message
રાધનપુર: વર્ષ 2026-27ના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન અંતર્ગત યોજાયેલી સ્પર્ધામાં સૈનિક સ્કૂલ રાધનપુરના વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ ગૌરવભેર રોશન કર્યું છે. વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ ક્ષેત્રે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ અને નવીન વિચારશક્તિનું પ્રદર્શન કર્યું હતું.
સ્પર્ધામાં સૈનિક સ્કૂલ રાધનપુરે વિભાગ-૩માં દ્વિતીય ક્રમ અને વિભાગ-૪માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી. વિદ્યાર્થીઓએ સંશોધનાત્મક અભિગમ, ટીમવર્ક અને સતત મહેનતના આધારે વિવિધ મોડેલ તૈયાર કરી તેની અસરકારક રજૂઆત કરી હતી.
વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ માર્ગદર્શક શિક્ષકોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. શિક્ષકોએ મોડેલની રચના, પ્રયોગ, રજૂઆત તેમજ વિષયની સમજ અંગે વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું હતું.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય દ્વારા માર્ગદર્શક શિક્ષકો તથા તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ વિજ્ઞાન અને નવીનતાના ક્ષેત્રે વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓની આ સફળતા બદલ વિવેકાનંદ વિકાસ મંડળના પ્રમુખ પરબતભાઈ ચૌધરી અને મંત્રી દઝાભાઈ પટેલ દ્વારા પણ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
