સમી : કઠીવાડા નજીક ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં બાળ તસ્કરીનું કથિત નેટવર્ક ખુલ્યું

બાળકીને ખરીદી બંધ મિલ પાસે મૂકી દેનાર પ્રેમી પંખીડા બાદ માતાની અટકાયત, પોતાની જ બાળકી વેચ્યાના આક્ષેપમાં ભિવંડીથી માતાની ધરપકડ-DNA સેમ્પલ લેવાયા, પિતાની શોધખોળ.
કેપિટલ મેસેજ
Capital message
પાટણ : પાટણ જિલ્લાના સમી તાલુકાના કઠીવાડા નજીક બંધ કપાસની મિલના કંપાઉન્ડમાંથી ૧૨ સપ્ટેમ્બરના રોજ મળી આવેલી આશરે ૬થી ૭ મહિનાની ત્યજી દેવાયેલી બાળકીના કેસમાં તપાસ દરમિયાન બાળ તસ્કરીના આક્ષેપો સામે આવ્યા છે. પાટણ એલસીબી અને સમી પોલીસે બાળકીની ખરીદી કરી બાદમાં તેને કઠીવાડા નજીક છોડી દેનાર યુગલની ધરપકડ કર્યા બાદ હવે આ બાળકીની જન્મદાતા માતાની મહારાષ્ટ્રના ભિવંડીથી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, આર્થિક તંગીના કારણે માતા-પિતાએ પોતાની જ બાળકીને રૂપિયા લઈ અન્ય વ્યક્તિને વેચી હોવાનો ખુલાસો થયો છે.
સમી તાલુકાના કઠીવાડા ગામના લાલાજી ચંદુજી ઠાકોરે ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કઠીવાડા બસ સ્ટેન્ડ નજીક આવેલી દીશા ઇન્ડસ્ટ્રીઝ નામની બંધ કપાસની મિલના દરવાજા પાસે આશરે ૬થી ૭ મહિનાની બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં સમી પોલીસે ગુનો નોંધી બાળકીને મેડિકલ સારવાર અપાવી હતી અને ત્યારબાદ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આવી હતી.
બાળકીની ઓળખ અને તેને ત્યજી દેવા પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પાટણ એલસીબીની ટીમે ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ પરેશભાઈ લગધીરભાઈ ઠાકોર અને રેખાબેન બાબુભાઈ વાલ્મિકીની ધરપકડ કરી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરી બાળ તસ્કરી સંબંધિત કલમો ઉમેરવામાં આવી હતી અને ૨૩ સપ્ટેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
પોલીસની પૂછપરછમાં સામે આવેલી વિગતો મુજબ, બંને આરોપીઓ સાથે રહેવા માંગતા હતા અને સંતાનની જરૂરિયાત હોવાથી આશરે બે મહિના અગાઉ સરખેજ રેલવે સ્ટેશન પરથી સિકંદર સુલતાન કુરેશી અને મુસ્કાન પાસેથી બાળકી ખરીદી હોવાનો ખુલાસો થયો હતો. ત્યારબાદ બાળકી સતત રડતી હોવાથી ૧૧ સપ્ટેમ્બરના રોજ તેને કઠીવાડા નજીક આવેલી બંધ મિલ પાસે મૂકી બંને આરોપીઓ ત્યાંથી ચાલ્યા ગયા હોવાનો પોલીસનો આક્ષેપ છે.

રિમાન્ડ દરમિયાન કરાયેલી પૂછપરછના આધારે પોલીસે બાળકીની કથિત જન્મદાતા માતા મુસ્કાન સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી. મૂળ માલેગાવની અને હાલ અમદાવાદમાં રહેતી મુસ્કાન મહારાષ્ટ્રના ભિવંડી ખાતે હોવાની માહિતી મળતાં પાટણ એલસીબીની ટીમે ત્યાં પહોંચી ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ૨૬ વર્ષીય મુસ્કાન સિકંદર સુલતાન કુરેશીની ધરપકડ કરી હતી.
ડીવાયએસપી પરેશ રેણુકાના જણાવ્યા મુજબ, મુસ્કાન અને તેના પતિ સિકંદરને આર્થિક તંગી હોવાથી તેમણે પોતાની જ બાળકીને રૂપિયા લઈ અન્ય વ્યક્તિને વેચી દીધી હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે બાળકીને કયા સંજોગોમાં અને કેટલા રૂપિયા લઈ આપવામાં આવી હતી, તેમજ આ કથિત નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
બાળકીની તેના અસલી માતા-પિતા સાથેની કડી જોડવા માટે ડીએનએ સેમ્પલ મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડીએનએ તપાસ બાદ બાળકીના જૈવિક માતા-પિતાની ઓળખ અંગે વધુ સ્પષ્ટતા થશે. મુસ્કાનને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે તેના પતિ અને આ કેસમાં આરોપી સિકંદર સુલતાન કુરેશી હજુ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળે છે. પોલીસ દ્વારા તેની શોધખોળ સહિત સમગ્ર કથિત બાળ તસ્કરીના નેટવર્ક અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
