રાધનપુરમાં પ્રાંતીય ‘ભારત કો જાનો’ મૌખિક સ્પર્ધા યોજાઈ, 15 શાખાની 30 ટીમોએ લીધો ઉત્સાહભેર ભાગ

ઉત્તર પ્રાંતમાંથી 35 હજાર બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો; પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં પ્રથમ ક્રમે આવેલી ટીમો પશ્ચિમ ક્ષેત્રની સ્પર્ધામાં ભાગ લેશે
કેપિટલ મેસેજ
Capital message
રાધનપુર : ભારત વિકાસ પરિષદ, ગુજરાત ઉત્તર પ્રાંતના ઉપક્રમે અને ભારત વિકાસ પરિષદ રાધનપુર શાખાના યજમાનપદે પ્રાંતીય ‘ભારત કો જાનો’ સ્પર્ધા-૭નું આયોજન રાધનપુર-વારાહી હાઈવે પર આવેલી રાઘવજી હોટેલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ઉત્તર પ્રાંતની 15 શાખાની કુલ 30 ટીમોના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોમાં ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવ અંગે જ્ઞાનવર્ધન થાય તેવા હેતુથી મૌખિક પ્રશ્નમંચનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રિજનલ સેવા સંયોજક અરવિંદભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર પ્રાંતના પ્રમુખ કમલભાઈ ચંદારાણા, મહામંત્રી દિવ્યેશભાઈ જોષી તથા કાર્યક્રમના સંયોજકો ભરતભાઈ જોષી અને જયેન્દ્રભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્વિઝ માસ્ટર તરીકે ફૂલેશભાઈ જોષીએ જવાબદારી નિભાવી હતી, જ્યારે કમ્પ્યુટર સંચાલન કિરણભાઈ સોનીએ કર્યું હતું. સ્કોરર તરીકે હેમંતભાઈ અને દિનેશભાઈ નાણાવટી તથા કાર્યક્રમના સંચાલક તરીકે અનિલભાઈ લીમ્બાચીયાએ કામગીરી સંભાળી હતી.
કાર્યક્રમની પ્રસ્તાવના રાધનપુર શાખાના પ્રાંત અધિકારી કમલેશભાઈ તન્નાએ રજૂ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શરદભાઈ ખાંટ, શાખા પ્રમુખ ખેતસીભાઈ, કારોબારી સભ્ય રીતેષભાઈ, પ્રકાશભાઈ રાઠી, શાખા મંત્રી રીતેશભાઈ, પ્રહલાદભાઈ, ડૉ. સી.એમ. આચાર્ય, ડૉ. પરેશભાઈ દરજી, ડૉ. અશોકભાઈ, ધરતીબેન રતાણી, મોનલબેન ચંદારાણા અને રાધનપુર શાખાના સંયોજક જયરાજસિંહ નાડોદા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

સ્પર્ધામાં ભાગ લેવા આવેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સવારના નાસ્તા સહિત ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિવિધ વિભાગોમાં વિજેતા ટીમોને શિલ્ડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવી હતી.
પ્રાથમિક વિભાગમાં ડીસા મુખ્ય શાખાની સંત અન્ના સ્કૂલની ટીમે તૃતીય સ્થાન, વિસનગર શાખાની કાંસા પ્રાથમિક શાળાની ટીમે દ્વિતીય સ્થાન અને પાલનપુર શાખાની હેતીબા પ્રાથમિક શાળા આદર્શની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
માધ્યમિક વિભાગમાં દિયોદર શાખાની વી.કે. વાઘેલા ટીમે તૃતીય સ્થાન, પાલનપુરની ધ સ્કૂલ ઓફ સાયન્સની ટીમે દ્વિતીય સ્થાન અને પાલનપુરની કે.ડી. ચૌધરી સંસ્કાર વિદ્યાલય, પાંથાવાડાની ટીમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
પ્રાથમિક અને માધ્યમિક એમ બંને વિભાગમાં પ્રથમ સ્થાન મેળવનારી ટીમો હવે પશ્ચિમ ક્ષેત્રની સ્પર્ધામાં ભાગ લેશે. વિજેતા ટીમોને પ્રાંતના હોદ્દેદારો અને આયોજકો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જ્યારે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ટીમોના વિદ્યાર્થીઓને અભિનંદન આપી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભારત વિકાસ પરિષદના ઉત્તર પ્રાંતમાં ‘ભારત કો જાનો’ સ્પર્ધા અંતર્ગત કુલ 35,000 બાળકોએ ભાગ લીધો હતો. રાધનપુર ખાતે યોજાયેલી આ પ્રાંતીય સ્પર્ધા બાળકોમાં જ્ઞાન, પ્રતિભા, સ્પર્ધાત્મક ભાવના અને રાષ્ટ્રીય સંસ્કૃતિ પ્રત્યેની જાગૃતિને પ્રોત્સાહન આપતું આયોજન બની રહી હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
