બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અને નવીન બાગાયત યોજનાઓ અંગે સરવા ખાતે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ

બહુસ્તરીય ફળપાક વાવેતર, ફિલ્ડ કવર, રાઇઝોમેટિક પાકો તેમજ રક્ષિત ખેતી અને નર્સરી થકી આવક વધારવા અંગે માર્ગદર્શન અપાયું
કેપિટલ મેસેજ
Capital message
પાટણ જિલ્લાના ખેડૂતોને બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મળે તેમજ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે હેતુથી તા.૦૬/૧૦/૨૦૨૬ના રોજ સરવા, તા.જી. પાટણ ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરી, પાટણ દ્વારા એક દિવસીય ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલીમ શિબિરમાં બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ ઉપરાંત નવીન યોજનાઓ જેવી કે બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ, ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ તેમજ રાઇઝોમેટિક પાકો (આદુ, હળદર)ને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ અંગે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન સહાયલક્ષી ફોર્મ ભરવાની પ્રક્રિયા તથા યોજનાઓને સંલગ્ન જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

તાલીમ દરમિયાન બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી અને તેના વિવિધ આયામો અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. બદલાતી વાતાવરણીય પરિસ્થિતિ સામે પાક ઉત્પાદનને ટકાઉ બનાવવા તેમજ ટૂંકા ગાળામાં વધુ આવક મેળવવા માટે રક્ષિત ખેતી અપનાવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ સ્વરોજગારલક્ષી નર્સરી થકી ખેડૂતો પોતાની આવકમાં કેવી રીતે વધારો કરી શકે તે અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે નાયબ બાગાયત નિયામક,પાટણ કે. ઝેડ. વાઘેલા, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ સંશોધન નિયામક ડૉ. સી. કે. પટેલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સમોડા-ગણવાડાના વિષય નિષ્ણાત (બાગાયત) સચિનભાઈ દરજી, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના જિલ્લા પ્રોજેક્ટ મેનેજર ડૉ. એચ. એલ. ચૌધરી, મદદનીશ બાગાયત નિયામક પાર્થ જોષી, બાગાયત અધિકારી યુ. ટી. દેસાઈ તેમજ સરવા ગામના સરપંચ હરગોવિંદભાઈ મંગળદાસ પટેલ સહિત ગામના અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ તાલીમ શિબિરનો લાભ લઈ બાગાયત ક્ષેત્રે નવીન પદ્ધતિઓ અને સરકારી સહાયલક્ષી યોજનાઓ અંગે ઉપયોગી માહિતી મેળવી હતી.
