સાવરકુંડલામાં રૂ.૧૦ લાખના ખર્ચે યોજાયેલ ‘સ્વદેશી મેળો’ વિવાદમાં

સુવિધાઓના અભાવે સ્ટોલધારકો અને મુલાકાતીઓ પરેશાન, વિરોધ પક્ષે લગાવ્યા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો
કેપિટલ મેસેજ
Capital message
29, October, 2026
સાવરકુંડલા: ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ તેમજ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા પાલિકા ગ્રાઉન્ડ ખાતે દિવાળીના તહેવારો નિમિત્તે સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાના હેતુથી ‘સ્વદેશી મેળો’ યોજવામાં આવ્યો છે. જોકે મેળો શરૂ થતાંની સાથે જ ભ્રષ્ટાચાર અને ઘોર ગેરવ્યવસ્થાના આક્ષેપો સાથે ભારે વિવાદમાં સપડાયો છે. આશરે ૧૦ લાખ રૂપિયાના મોટા ખર્ચે ટેન્ડર બહાર પાડીને આયોજિત કરાયેલા આ મેળામાં ટેન્ડર મુજબની પાયાની સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.
સાવરકુંડલા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કમલભાઈ દવેએ આ મેળાની મુલાકાત લઈ ગંભીર આક્ષેપો કર્યા હતા.

કુલ ફાળવાયેલા આશરે ૪૪ સ્ટોલમાંથી ૧૦થી ૧૫ જેટલા સ્ટોલ ખાલી પડ્યા છે, લોકોમાં કોઈ ઉત્સાહ જોવા મળતો નથી. બહેનો માટે મેળાના સ્થળે શૌચાલયની વ્યવસ્થા ન હોવાથી તેમને નગરપાલિકાની બિલ્ડિંગમાં જવું પડે છે, જે ટેન્ડર શરતોનો ભંગ છે.
મેળામાં પીવાનું પાણી ગરમ છે અને જગ પૂરતા પ્રમાણમાં મુકાયા નથી. જે ટિફિન આવે છે તે મર્યાદિત અને ગુણવત્તા વગરનું છે.
નિયમ મુજબ પીજીવીસીએલમાંથી અલગ સબ-મીટર કે થ્રી-ફેઝ કનેક્શન લેવું જોઈએ, તેની જગ્યાએ સીધું નગરપાલિકાના મીટરમાંથી ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન જોડી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
લાખો રૂપિયાના ખર્ચે વોટરપ્રૂફ ડોમ બનાવવાની જગ્યાએ સાદો મંડપ ઊભો કરી દેવાયો છે અને ગેમઝોન સ્થળ પર અસ્તિત્વમાં જ નથી.

મેળામાં ખરીદી અર્થે આવેલા સ્થાનિક યુવાને ગંભીર અનિયમિતતાઓ ઉજાગર કરતા જણાવ્યું હતું કે વોટરપ્રૂફ ડોમ, ચિલ્ડ્રન ગેમઝોન, પીવાના પાણી વ્યવસ્થા અને શૌચાલય જેવી અદ્યતન સુવિધાઓ આપવાની હતી, પરંતુ વાસ્તવિકતા એ છે કે ડોમની જગ્યાએ સાદો મંડપ બાંધી દેવાયો છે, જેમાં વરસાદ પડે તો કોઈ રક્ષણ નથી.
મેળામાં અગરબત્તીનો સ્ટોલ રાખનાર વેપારીએ પોતાની વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું મેળામાં પીવાના પાણીની કોઈ સુવિધા નથી, જેથી તેમણે પોતાના ઘરેથી પાણી લાવવું પડે છે. સ્ટોલધારકોને અપાતા ભોજનની ગુણવત્તા એટલી હલકી છે કે તેમણે તે ભોજન લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. સુવિધાઓના અભાવે અને યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગ્રાહકોની પાંખી હાજરી છે, જેથી વેપાર પણ યોગ્ય રીતે થઈ રહ્યો નથી.

મેળાના આયોજન સામે વિરોધ નોંધાવતા સાવરકુંડલા પાલિકા સદસ્ય એ તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, “સરકાર સ્વદેશી મેળાના નામે માત્ર મોટા મોટા હોર્ડિંગ્સ અને જાહેરાતો કરીને વાહ-વાહી લૂંટવાનો પ્રયાસ કરે છે. સાવરકુંડલા પાલિકાએ આ મેળા માટે ૧૦ લાખ રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું છે. પરંતુ આટલા ખર્ચ સામે મેળામાં બિચારા વેપારીઓ પાસે બે ગ્રાહક પણ આવતા નથી.”
તેમણે રોષપૂર્વક ઉમેર્યું કે, “જો ખરેખર નાના ધંધાર્થીઓ, પાથરણાંવાળા કે રેકડીવાળાનું હિત ઇચ્છતી હોય તો આ ૧૦ લાખ રૂપિયા કોન્ટ્રાક્ટરને રળાવવાને બદલે સ્થાનિક નાના વેપારીઓના ખાતામાં સીધા ૧૦-૧૦ હજાર રૂપિયા જમા કરાવી દીધા હોત તો તેમની દિવાળી સુધરી જાત. આવા તાયફાઓ તાત્કાલિક બંધ થવા જોઈએ.”
સરકાર દ્વારા પ્રજાના ટેક્સના લાખો રૂપિયાના ખર્ચે યોજાતા આવા મેળાઓમાં જો મૂળભૂત સુવિધાઓ જ ન મળતી હોય અને માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે નિયમોનો ભંગ થતો હોય, તો આ અંગે ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ થવી જોઈએ તેવી લોકલાગણી પ્રબળ બની છે.
રિપોર્ટ: મહેશ બારૈયા, અમરેલી
