રાધનપુરમાં સ્વદેશી મેળાના આયોજન સામે સવાલો, પાંખી જનમેદની વચ્ચે પ્રચાર અને પાયાની સુવિધાઓની ચર્ચા

ભાજપ કાર્યકર જ્યોતિબેન જી. જોશીએ ઉઠાવ્યા સવાલો, પ્રાંત અધિકારીએ સ્વદેશી મેળાનો હેતુ સમજાવી નાગરિકોને ખરીદી કરવા કરી અપીલ
કેપિટલ મેસેજ
Capital message
પાટણ જિલ્લાના રાધનપુરમાં નગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે અને શહેરી વિકાસ વર્ષ 2026ની ઉજવણીના ભાગરૂપે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવા, સ્વદેશી વસ્તુઓના વેચાણને વેગ આપવા અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવાના હેતુથી યોજાયેલા આ મેળામાં લોકોની પાંખી હાજરી જોવા મળતાં આયોજન અને પ્રચાર વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. મેળામાં મુલાકાતીઓ માટે ટોયલેટ જેવી પાયાની સુવિધાઓને લઈને પણ પ્રશ્નો સામે આવ્યા છે. પરિણામે મેળાના આયોજનના હેતુ અને તેના અમલીકરણ અંગે ચર્ચા શરૂ થઈ છે.

ભાજપ કાર્યકર જ્યોતિબેન જી. જોશીએ મેળાના પ્રચારના અભાવ, વેપારીઓને મળતા લાભ અને મુલાકાતીઓ માટેની સુવિધાઓ અંગે સવાલો ઉઠાવ્યા છે. તેમના મતે, સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી મેળાનું આયોજન કરવામાં આવે ત્યારે વધુમાં વધુ નાગરિકો સુધી તેની માહિતી પહોંચે અને વેપારીઓને પૂરતા ગ્રાહકો મળે તે માટે અસરકારક પ્રચાર જરૂરી છે. સાથે જ મેળામાં આવતા નાગરિકો માટે ટોયલેટ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી પણ એટલી જ આવશ્યક છે. મેળાના આયોજન પાછળ થતા ખર્ચની સામે તેના હેતુને કેટલી સફળતા મળી રહી છે તે અંગે પણ તેમણે પ્રશ્નો કર્યા છે.
બીજી તરફ, રાધનપુરના પ્રાંત અધિકારી વિકાસ કુમારે મેળાના હેતુ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ શહેરી વિકાસ વર્ષ 2026ની ઉજવણી સાથે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાનો અને સ્થાનિક અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાનો છે. કાર્યક્રમમાં ધારાસભ્ય, સંગઠનના કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હોવાનું જણાવતાં તેમણે વધુમાં વધુ નાગરિકોને મેળાની મુલાકાત લેવા અને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીને સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.

આ સમગ્ર મુદ્દે જ્યોતિબેન જી. જોશીએ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું પણ ધ્યાન દોર્યું છે. તેમણે સ્થાનિક પ્રશ્નો અને વિકાસનાં કામો પર પૂરતું ધ્યાન આપી લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા અપીલ કરી હતી. સાથે જ ચેતવણીના સૂર સાથે જણાવ્યું હતું કે સ્થાનિક પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેની અસર વર્ષ 2027ની ચૂંટણીમાં જોવા મળી શકે છે.
એક તરફ સ્વદેશી વસ્તુઓના વેચાણ અને સ્થાનિક વેપારને પ્રોત્સાહન આપવાનો હેતુ છે, તો બીજી તરફ મેળામાં લોકોની હાજરી, પ્રચાર વ્યવસ્થા અને પાયાની સુવિધાઓ અંગે ઊઠેલા સવાલો તંત્ર માટે ધ્યાન આપવા જેવા મુદ્દા બન્યા છે. હવે નગરપાલિકા દ્વારા મેળાની વ્યવસ્થા અંગે શું પગલાં લેવામાં આવે છે અને સ્થાનિક વેપારીઓને આ આયોજનનો કેટલો લાભ મળે છે તે જોવું રહ્યું.
રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
