પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને પાટણમાં પ્રાકૃતિક ખેતીના વેચાણ કેન્દ્રનું લોકાર્પણ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા
જમીન, પર્યાવરણ અને ભાવિ પેઢીના સ્વાસ્થ્ય માટે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે: મંત્રી સ્વરૂપજી ઠાકોર
રાજ્યપાલના માર્ગદર્શનનો લાભ લઈ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે: મંત્રી
કેપિટલ મેસેજ
Capital message
ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી તથા પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે આજરોજ પ્રાકૃતિક ખેતીના વેચાણ કેન્દ્રના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદનોના વેચાણ માટે યોગ્ય બજાર અને પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવા તેમજ વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવાના હેતુથી આ વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ગાંધીનગરથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા હાથ ધરવામાં આવી રહેલા વિવિધ પ્રયાસોના ભાગરૂપે પાટણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાના ઉત્પાદનોના વેચાણ માટે સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં આ વેચાણ કેન્દ્ર મહત્વપૂર્ણ બની રહેશે.
પ્રાકૃતિક ખેતીના માધ્યમથી જમીનની ફળદ્રુપતા જાળવવા, કુદરતી સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા તેમજ નાગરિકોને ગુણવત્તાસભર કૃષિ પેદાશો ઉપલબ્ધ કરાવવાના હેતુથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના વેચાણ માટે સ્ટોલ અને વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા છે, જેથી ખેડૂતોને પોતાના ઉત્પાદનોનું યોગ્ય વેચાણ કરી શકે તે માટેનું પ્લેટફોર્મ મળી રહે.
મંત્રીએ વધુમાં ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, જમીન, પર્યાવરણ અને ભાવિ પેઢીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવો જરૂરી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ત્યારે તેમના માર્ગદર્શનનો લાભ લઈ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે તેમણે અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમ અંતર્ગત ગ્રામહાટ કોમ્પ્લેક્સ, પ્રગતિ મેદાન, આનંદ સરોવર સામે, પાટણ ખાતે પ્રાકૃતિક ખેતીના વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રના માધ્યમથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાના ઉત્પાદનો સીધા ગ્રાહકો સુધી પહોંચાડવા માટે યોગ્ય બજાર ઉપલબ્ધ થશે તેમજ સ્થાનિક સ્તરે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણને પણ વેગ મળશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત, પાટણના પ્રમુખ ભાવિકકુમાર પટેલ, પાટણ જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા, પાટણ નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવલ, હુડકોના ચેરમેન કે.સી. પટેલ, પાટણ પ્રાંત અધિકારી ડૉ. જેનિસ પાંડવ, ખેતીવાડી અને આત્મા વિભાગના અધિકારીઓ સહિતના મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ, ખેડૂતો તથા પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધુ વિસ્તૃત કરવા તથા ખેડૂતોને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવી રહેલા પ્રયાસોમાં સહભાગી બનવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
