સાંતલપુરને અલગ તાલુકો બનાવવા ચોરાડ વિસ્તાર એક મંચ પર

ખીમેશ્વર ગૌશાળા ખાતે વિવિધ સમાજ-ધર્મ તથા રાજકીય આગેવાનોની બેઠક; સંઘર્ષ સમિતિને સંપૂર્ણ સહયોગની ખાતરી
કેપિટલ મેસેજ
Capital message
સાંતલપુર: સાંતલપુરને અલગ તાલુકો જાહેર કરવાની વર્ષોથી ચાલી રહેલી માંગ હવે વધુ સંગઠિત બની રહી છે. તા. 27 સપ્ટેમ્બર, 2026ના રોજ સાંતલપુર સ્થિત ખીમેશ્વર ગૌશાળા ખાતે ચોરાડ વિસ્તારના વિવિધ સમાજ-ધર્મના આગેવાનો તેમજ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સાંતલપુર–વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિની અલગ તાલુકાની માંગને વ્યાપક સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.
બેઠકમાં સાંતલપુર તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ સાંતલપુર તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા પણ સાંતલપુરને અલગ તાલુકો બનાવવાની માંગને સમર્થન આપવામાં આવ્યું હતું. સ્થાનિક વિસ્તારના વિકાસ, વહીવટી સુવિધા અને લોકહિત સાથે જોડાયેલા આ પ્રશ્નને પરિણામ સુધી પહોંચાડવા સંઘર્ષ સમિતિને શક્ય તમામ સહયોગ આપવાની ખાતરી આગેવાનો દ્વારા આપવામાં આવી હતી.
ગ્રામ પંચાયતોના ઠરાવો એકત્ર કરવાની તૈયારી
અલગ તાલુકાની માંગને વધુ મજબૂત બનાવવા હવે સાંતલપુર તાલુકાની તમામ ગ્રામ પંચાયતો પાસેથી ઠરાવો મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ગ્રામ પંચાયતોના ઠરાવો એકત્ર કરી તેની સંકલિત ફાઇલ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ સરકાર સમક્ષ માંગને સત્તાવાર રીતે વધુ મજબૂત રીતે રજૂ કરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવશે.

15 દિવસ બાદ ફરી સમીક્ષા બેઠક
સંઘર્ષ સમિતિ દ્વારા આગામી 15 દિવસમાં ફરી સમીક્ષા બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં અત્યાર સુધી થયેલી કામગીરીની સમીક્ષા સાથે ગ્રામ પંચાયતોના ઠરાવો મેળવવાની પ્રગતિ, આગામી કાર્યક્રમો અને સરકાર સમક્ષ રજૂઆત અંગે ચર્ચા કરી આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
વિવિધ સમાજો, ધર્મોના આગેવાનો અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ એક મંચ પર આવી સાંતલપુરને અલગ તાલુકો બનાવવાની માંગને સમર્થન આપતા હવે આ પ્રશ્નને વધુ સંગઠિત સ્વરૂપ મળ્યું છે. આગામી દિવસોમાં ગ્રામ પંચાયતોના ઠરાવો અને સ્થાનિક આગેવાનોના સમર્થન સાથે અલગ તાલુકાની માંગને સરકાર સુધી પહોંચાડવાની પ્રક્રિયા વધુ તેજ બનાવવામાં આવશે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
