પાટણમાં વિકસિત ભારત@ 2047 માટે વ્યાપક તૈયારીઓ

પાટણ જિલ્લામાં વિકસિત ભારત@૨૦૪૭ના સંકલ્પને જનઆંદોલન બનાવવા વ્યાપક કાર્યક્રમોની તૈયારીઓ શરૂ
જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
સરકારની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે જ વિકસિત ભારત@૨૦૪૭ની સાચી સફળતા: જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવા
કેપિટલ મેસેજ, ન્યુઝ
Capital message
વિકસિત ભારત@૨૦૪૭ના રાષ્ટ્રીય સંકલ્પને લોકભાગીદારી દ્વારા સાકાર કરવા તેમજ વિકસિત ગુજરાત@૨૦૪૭ના ધ્યેયને જનઆંદોલનનું સ્વરૂપ આપવા રાજ્ય સરકાર દ્વારા તા. ૦૫/૦૬/૨૦૨૬ થી તા. ૨૧/૦૬/૨૦૨૬ દરમિયાન રાજ્યભરમાં વિવિધ જનકલ્યાણલક્ષી અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમોના પાટણ જિલ્લામાં સુચારૂ આયોજન, અસરકારક અમલીકરણ અને વિભાગીય સંકલન સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત@૨૦૪૭નો સંકલ્પ માત્ર સરકારી કાર્યક્રમ ન રહી જનઆંદોલન બને તે માટે તમામ વિભાગોએ સંકલિત પ્રયાસો કરવા જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચે અને દરેક નાગરિક આ અભિયાનનો સક્રિય ભાગીદાર બને તે માટે વ્યાપક જનજાગૃતિ અને લોકસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવે.
આ અભિયાન અંતર્ગત જિલ્લામાં “એક પેડ માં કે નામ” વૃક્ષારોપણ અને જતન અભિયાન, સ્વચ્છતા અભિયાન, પ્રગતિ પથ યાત્રા, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, સરકારની સિદ્ધિઓની પ્રદર્શની, જનકલ્યાણ શિબિરો, પ્રાકૃતિક ખેતી કાર્યશાળાઓ તથા વિશ્વ યોગ દિવસની ઉજવણી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટરએ તમામ વિભાગોને આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવા, કાર્યક્રમોમાં મહત્તમ જનસહભાગિતા સુનિશ્ચિત કરવા, ગામડાં અને શહેરી વિસ્તારોમાં વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સુધી સીધો સંપર્ક સાધવા સૂચના આપી હતી. તેમણે દરેક કાર્યક્રમના ગુણવત્તાસભર અને પરિણામલક્ષી અમલીકરણ પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે જિલ્લાના તમામ વિભાગો વચ્ચે સુદ્રઢ સંકલન દ્વારા આ અભિયાનને સફળ બનાવવામાં આવે.
કાર્યક્રમોના અસરકારક અમલીકરણ માટે વિવિધ કાર્યક્રમદીઠ જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી હોવાનું જણાવતાં કલેક્ટરએ નોડલ અધિકારીઓને વિભાગીય સ્તરે નિયમિત સમીક્ષા કરી કામગીરીની સતત મોનિટરિંગ કરવા તેમજ સમયસર અહેવાલ રજૂ કરવાની સૂચના આપી હતી. સાથે જ લોકભાગીદારીને કેન્દ્રસ્થાને રાખી વિકસિત ભારત@૨૦૪૭ અને વિકસિત ગુજરાત@૨૦૪૭ના લક્ષ્યોને સિદ્ધ કરવા માટે સર્વાંગી પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, નિવાસી અધિક કલેક્ટર હિરેન ચૌહાણ, જિલ્લા પોલીસ વડા વી.કે. નાયી સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
