પાટણ:ખલીપુરના ૫૦ વર્ષ જૂના રામાપીર મંદિરે ચૈત્ર સુદ બીજ નિમિત્તે ભક્તોની ભીડ
ખલીપુરના ૫૦ વર્ષ જૂના રામાપીર મંદિરે ચૈત્ર સુદ બીજ નિમિત્તે ભક્તોની ભીડ, રામા મંડળ સેવા ગ્રુપ અને ગ્રામજનો તથા રામદેવ ગ્રુપ સેવા કેમ્પ પાટણ દ્વારા ઉમદા સેવા વ્યવસ્થા

કેપિટલ મેસેજ, ન્યુઝ
પાટણ જિલ્લાના ખલીપુર ગામ સ્થિત લગભગ પચાસ વર્ષ જૂના રામાપીર મંદિરે દર મહિનાની બીજ ની જેમ જ આ મહિને ચૈત્ર સુદ બીજના પાવન અવસરે દૂર દૂરથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તોએ મંદિરમાં પહોંચીને પૂજા-અર્ચના, નમન-વંદન કરી અને ભગવાન રામાપીરના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
રામા મંડળ સેવા ગ્રુપ અને ગ્રામજનો દ્વારા સેવા વ્યવસ્થા:
ખલીપુર ગામના આ ઐતિહાસિક રામાપીર મંદિરે આવતા ભાવિક ભક્તો માટે ખલીપુર ગામ રામા મંડળ સેવા ગ્રુપ તથા ગ્રામજનો દ્વારા ભોજન પ્રસાદ સાથે સુંદર અને સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અવસરે મંદિર આસપાસ મેળો પણ ભરાયો હતો, જેમાં નાના બાળકો માટે રમકડાં, પુસ્તકો, ઘરવખરીનો સામાન તેમજ ખાણીપીણીના સ્ટોલ ભક્તો માટે વિશેષ આકર્ષણ બન્યા હતા.

રામદેવ ગ્રુપ સેવા કેમ્પ પાટણ દ્વારા પદયાત્રીઓને સેવા:
દૂર દૂરથી પગપાળા પદયાત્રા કરીને આવતા ભાવિક ભક્તો માટે રસ્તામાં રામદેવ ગ્રુપ સેવા કેમ્પ પાટણ દ્વારા નાસ્તો અને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી આ યુવાનો દર મહિને રામદેવપીર ભગવાનની બીજના દિવસે પદયાત્રીઓ માટે સતત સેવા કાર્ય કરતા આવ્યા છે, જેના કારણે અનેક પદયાત્રીઓએ પ્રસાદનો લાભ લીધો છે.
રસ્તામાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને સ્થાનિક લોકો દ્વારા પણ સેવા કેમ્પોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે ભક્તોની યાત્રા વધુ સુખદ અને સુગમ બની હતી.
આ સેવા માટે તમામ ભાવિક ભક્તોએ આયોજકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને સમગ્ર વાતાવરણમાં ભક્તિભાવ અને શ્રદ્ધાનો માહોલ છવાયો હતો.
