રાધનપુરમાં વાહનો ભાડે રાખી બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, 13 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

પાટણ એલ.સી.બી. પોલીસે ટ્રેક્ટર, કેમ્પર, ટેન્કર અને ટ્રોલી સહિત 4 વાહનો કબજે કર્યા; અન્ય 3 આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન
૨૭, નવેમ્બર, ૨૦૨૬
કેપિટલ મેસેજ
પાટણ જિલ્લાના રાધનપુર વિસ્તારમાંથી ટ્રેક્ટર અને ટેન્કર જેવા વાહનો ભાડે રાખીને છેતરપિંડીથી રાજસ્થાનના શખ્સોને વેચી મારવાના ગુનાનો પાટણ એલ.સી.બી. પોલીસે ભેદ ઉકેલ્યો છે. પોલીસે આ મામલે સરદારપુરાના એક આરોપીની ધરપકડ કરી તેની પાસેથી રૂપિયા 13,00,000 ની કિંમતના કુલ 4 વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુખ્ય સમાચાર:
પાટણ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે બનાસકાંઠા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને પાટણ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી. રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) અને 3(5) મુજબના ગુનાની તપાસમાં પોલીસે સરદારપુરા ગામના 31 વર્ષીય નરેશભારથી આનંદભારથી ગૌસ્વામીને ઝડપી પાડ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી અન્ય શખ્સો સાથે મળીને ટ્રેક્ટર અને ટેન્કર જેવા સાધનો ભાડે રાખતો હતો અને ત્યારબાદ છેતરપિંડી આચરી આ વાહનો રાજસ્થાનના માણસો સાથે મળીને બારોબાર વેચી મારતો હતો. પોલીસે આરોપી પાસેથી 1 ટ્રેક્ટર, 1 કેમ્પર, 1 ટેન્કર અને 1 ટ્રોલી મળી કુલ 4 વાહનો કબજે કર્યા છે, જેની કુલ કિંમત રૂપિયા 13,00,000 આંકવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 3 આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે, જેમાં વાવ-થરાદ જિલ્લાના ઓગડ તાલુકાના સવપુરાના પ્રકાશભાઈ નાથાભાઈ રાવળ, કચ્છ-પૂર્વ ગાંધીધામના અંજારના વિમલનાથ બટુકનાથ નાથબાવા અને વડાના મહેન્દ્રસિંહ બાપુનો સમાવેશ થાય છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
