રાધનપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્કોપ પરીક્ષાનું આયોજન

કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રમાણિત સર્ટિફિકેટ માટે 207 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
કેપિટલ મેસેજ
Capital message
રાધનપુરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે તા. 16 અને 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાત સરકારના પ્રકલ્પ KCG અંતર્ગત SCOPE પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સી.એમ. ઠક્કરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ પરીક્ષામાં કોલેજના કુલ 207 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહભાગી થઈ અંગ્રેજી ભાષા પ્રાવીણ્યની કસોટી આપી હતી.
SCOPE પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓના અંગ્રેજી ભાષાના પ્રાવીણ્યનું મૂળભૂત સ્તરે મૂલ્યાંકન કરવામાં આવે છે. પરીક્ષાના પરિણામથી વિદ્યાર્થીઓને પોતાની અંગ્રેજી ભાષાની ક્ષમતા અંગે જાણકારી મળવાની સાથે આગળના અભ્યાસ અને કારકિર્દીમાં અંગ્રેજી ભાષા પર કેટલું વધુ ધ્યાન આપવાની જરૂર છે તેનો પણ ખ્યાલ આવે છે. પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીને કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા પ્રમાણિત સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે, જેના થકી વિદ્યાર્થીઓને તેમની અંગ્રેજી ભાષા કૌશલ્યની પ્રમાણિત ઓળખ પ્રાપ્ત થશે.
પરીક્ષાનું સમગ્ર આયોજન અને સફળ સંચાલન SCOPE કો-ઓર્ડિનેટર ડૉ. રેજી જ્યોર્જ તથા અંગ્રેજી વિભાગના અધ્યાપકો ડૉ. જસવંત માજીરાણા, પ્રા. રાહુલ પરમાર અને પ્રા. ગિરીશ પંડ્યાના માર્ગદર્શન અને સહયોગથી કરવામાં આવ્યું હતું. કોલેજમાં વિદ્યાર્થીઓના ભાષાકીય કૌશલ્યના વિકાસ સાથે તેમની શૈક્ષણિક તથા ભવિષ્યની કારકિર્દીને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ પરીક્ષાને મહત્વપૂર્ણ પહેલ તરીકે જોવામાં આવી રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
