પાટણના મોતીસા-સાંઈબાબા મંદિર રોડ પર કચરામાં આગથી અફરાતફરી

પોલીસ, ફાયર બ્રિગેડ અને વીજકંપનીના કર્મચારીઓની સમયસૂચક કામગીરીથી આગ પર કાબૂ મેળવાયો; આગ લાગવાનું કારણ અકબંધ
કેપિટલ મેસેજ
Capital message
પાટણ: પાટણ શહેરના મોતીસા વિસ્તારથી સાંઈબાબા મંદિર તરફ જતા રોડ પર કચરોના ઢગલાની જગ્યાએ અચાનક આગ લાગવાની ઘટના સામે આવતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કચરામાં આગ લાગતાં આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને વીજકંપનીના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ત્રણેય વિભાગના કર્મચારીઓએ સમયસૂચકતા અને સંકલન સાથે કામગીરી હાથ ધરી આગને કાબૂમાં લીધી હતી. તંત્રની ત્વરિત કામગીરીને કારણે આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી.

જોકે, કચરાની જગ્યાએ આગ કયા કારણોસર લાગી હતી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ રહેતાં સમગ્ર ઘટનાને લઈને તર્કવિતર્ક થઈ રહ્યા છે. આગની ઘટનાને પગલે કચરાના સ્થળોએ સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા અંગે પણ સવાલો ઊભા થયા છે.
આ ઘટનામાં આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.
રિપોર્ટ રાજેશ જાદવ, પાટણ
