પાટણના દેશી લાલચટક અને મીઠા ગાજરની ખેતી પર સંકટ,એક સમયે હજારો વીઘામાં થતું વાવેતર હવે ઘટવા લાગ્યું

બદલાતું વાતાવરણ, વધતો ખેતી ખર્ચ અને પોષણક્ષમ ભાવના અભાવે ગાજરના વાવેતરમાં મોટો ઘટાડો; એક સમયે પાટણની આગવી ઓળખ સમાન ગાજરની પરંપરા જાળવવા ખેડૂતોની સરકાર સમક્ષ યોગ્ય ભાવ અને પ્રોત્સાહનની માંગ
કેપિટલ મેસેજ
૨૦, નવેમ્બર, ૨૦૨૬
પાટણ પંથકની આગવી ઓળખ અને ગુજરાત સહિત દેશભરમાં મીઠાશ તથા ગુણવત્તા માટે જાણીતા દેશી લાલચટક ગાજરની ખેતી હવે ધીમે ધીમે સંકટમાં મુકાઈ રહી છે. એક સમયે મોટા પાયે ગાજરનું ઉત્પાદન કરતા ખેડૂતો હવે ખેતીના વધતા ખર્ચ, મજૂરીની મુશ્કેલી, બદલાતા વાતાવરણ અને બજારમાં પૂરતા ભાવ ન મળવાના કારણે ગાજરના વાવેતરથી વિમુખ થઈ અન્ય પાકો તરફ વળી રહ્યા છે. પરિણામે પાટણની ઓળખ સમાન દેશી ગાજરનું વાવેતર વર્ષોવર્ષ ઘટી રહ્યું છે અને તેની પરંપરાગત ખેતીનું અસ્તિત્વ જાળવવાનો પ્રશ્ન ઊભો થયો છે.
પાટણના દેશી લાલચટક ગાજરની મીઠાશ અને ઉત્તમ ગુણવત્તાની એક સમયે ગુજરાત જ નહીં, પરંતુ દેશભરમાં આગવી ઓળખ હતી. પાટણ પંથક ગાજરના ઉત્પાદન માટે જાણીતું કૃષિ કેન્દ્ર ગણાતું હતું. પાટણ નજીકનાં રૂની, હસાપુર, કમલીવાડા, સંબોશણ અને ગદોસણ સહિતનાં ગામોના આશરે પાંચ કિલોમીટરના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગાજરનું વાવેતર કરવામાં આવતું હતું. ખાસ કરીને રૂની ગામમાં એક સમયે એક હજાર વીઘાથી વધુ જમીનમાં ગાજરની ખેતી થતી હતી. જોકે, સમય જતાં ખેતીની પરિસ્થિતિ બદલાતાં વાવેતર વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ગાજરની ખેતીમાં વાવેતરથી લઈને પાકની જાળવણી, લણણી, સફાઈ, મજૂરી અને બજાર સુધી પહોંચાડવા માટે ખેડૂતોને ભારે મહેનત તથા ખર્ચ કરવો પડે છે. આટલી મહેનત કર્યા બાદ પણ બજારમાં યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતો માટે ખેતી નફાકારક રહેતી નથી. ગત વર્ષે ગાજરના ભાવ પ્રતિ મણ રૂ. ૨૦૦થી ૩૦૦ સુધી રહ્યા હતા, જ્યારે ચાલુ વર્ષે પ્રતિ મણ આશરે રૂ. ૧૮૦થી ૨૬૦ જેટલા ભાવ મળી રહ્યા છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ ભાવમાં ઘટાડો નોંધાતાં ખેડૂતોની આવક પર સીધી અસર પડી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ મળતા ભાવ ખેતી પાછળ થયેલા ખર્ચ અને મજૂરીની સરખામણીએ પોષણક્ષમ નથી.

બીજી તરફ છેલ્લા ચાર વર્ષથી વાતાવરણમાં સતત થઈ રહેલા ફેરફારો પણ ગાજરના પાક માટે પડકારરૂપ બન્યા છે. ગાજરની ખેતીને અનુકૂળ વાતાવરણ ન મળવાથી ઉત્પાદન અને પાકની ગુણવત્તા પર અસર થઈ રહી છે. એક તરફ કુદરતી પરિસ્થિતિનો પડકાર અને બીજી તરફ બજારમાં ભાવની અનિશ્ચિતતા ખેડૂતોને આ ખેતી ચાલુ રાખવા અંગે પુનર્વિચાર કરવા મજબૂર કરી રહી છે.
આ ઉપરાંત રાજસ્થાનથી બજારમાં આવતા ગુણવત્તાયુક્ત ગાજર સાથેની સ્પર્ધા પણ સ્થાનિક ખેડૂતો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. બહારથી આવતા ગાજરની આવકના કારણે પાટણના સ્થાનિક ગાજરના વેચાણ અને ભાવ પર અસર થતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. સામાન્ય રીતે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પાટણના શાકમાર્કેટમાં ગાજરની આવક શરૂ થાય છે. અહીંથી પાટણના દેશી ગાજર અમદાવાદ, સુરત, વડોદરા, ભરૂચ અને અંકલેશ્વર સહિત ગુજરાતનાં વિવિધ શહેરોમાં પહોંચાડવામાં આવે છે. એક સમયે સિઝન દરમિયાન ગાજર ભરેલી ગાડીઓની મોટા પ્રમાણમાં રવાનગી થતી હતી, પરંતુ હવે ઘટતા વાવેતરના કારણે આ પરંપરાગત વ્યવસાય સામે પણ પડકાર ઊભો થયો છે.

પાટણના દેશી લાલચટક ગાજર માત્ર એક કૃષિ પાક નથી, પરંતુ પંથકની ઓળખ, પરંપરા અને ખેડૂતોની આજીવિકા સાથે જોડાયેલું ઉત્પાદન છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આ આગવી ઓળખ વધુ નબળી પડી શકે છે. ત્યારે રાજ્ય સરકાર અને કૃષિ વિભાગ દ્વારા ગાજરના પાક માટે વિશેષ પ્રોત્સાહન, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેવી વ્યવસ્થા, બજાર વ્યવસ્થાનું મજબૂતીકરણ અને બદલાતા વાતાવરણને અનુરૂપ ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે. પાટણના દેશી ગાજરની ઓળખ જળવાઈ રહે અને ખેડૂતો ફરીથી મોટા પાયે ગાજરની ખેતી તરફ વળે તે માટે સરકાર દ્વારા અસરકારક પહેલ કરવામાં આવે તે સમયની માંગ બની છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
