કોલાપુરમાં બેસતા વર્ષની ભક્તિમય શરૂઆત: દરેક પરિવારે ગૌપાલન અને શિવમંત્ર જાપનો લીધો સંકલ્પ

દરેક પરિવારે એક ગાયનું પાલન કરવાનો સંકલ્પ કર્યો, દરરોજ ‘નમઃ શિવાય’ મંત્રના પાંચ જાપ કરવાનો નિર્ણય
કેપિટલ મેસેજ
Capital message
10, November, 2026
રાધનપુર તાલુકાના કોલાપુર ગામે બેસતા વર્ષની વર્ષો જૂની પરંપરા મુજબ ધાર્મિક ભાવના અને ભક્તિમય વાતાવરણમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ગામના સમગ્ર ગ્રામજનો સોમનાથ મહાદેવના મંદિર પરિસરમાં એકત્ર થયા હતા અને ભગવાન ભોળાનાથના દર્શન કરી નવા વર્ષની શરૂઆત ભક્તિભાવ સાથે કરી હતી.

આ પવિત્ર પ્રસંગે ગ્રામજનોએ સામૂહિક રીતે ધર્મ, ગૌસેવા અને શિવભક્તિને જીવનમાં ઉતારવાના મહત્વપૂર્ણ સંકલ્પો કર્યા હતા. જેમાં ગામના દરેક પરિવારે એક ગાયનું પાલન કરવાનો સંકલ્પ કર્યો હતો. સાથે જ પરિવારના દરેક સભ્યમાં ‘નમઃ શિવાય’ મંત્રના જાપની ભાવના કેળવાય તે માટે દરરોજ એક વ્યક્તિ દ્વારા પાંચ જાપ ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોલાપુર ગામે બેસતા વર્ષની આ ઉજવણી માત્ર ધાર્મિક પ્રસંગ પૂરતી સીમિત ન રહી, પરંતુ ગૌસેવા, શિવભક્તિ, સંસ્કાર અને પરંપરાના જતનનો પ્રેરણાદાયી સંદેશ પણ આપી ગઈ હતી. ગ્રામજનોના આ સામૂહિક સંકલ્પથી ગામમાં ધાર્મિક ચેતના અને ભક્તિભાવને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે ગોવાભાઈ રબારી અને શાસ્ત્રી અમૃતભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
