ગુજરાતમાં બેંકિંગ ક્ષેત્રે નોંધપાત્ર વૃદ્ધિ: કુલ થાપણો ₹16.09 લાખ કરોડ અને ધિરાણ ₹15.15 લાખ કરોડે પહોંચ્યું
અમદાવાદ ખાતે SLBC ગુજરાતની 191મી બેઠક યોજાઈ: પ્રથમ છ મહિનામાં વાર્ષિક ધિરાણ લક્ષ્યાંકના 76.71 ટકા સિદ્ધિ
કેપિટલ મેસેજ | અમદાવાદ, 4 નવેમ્બર 2026
બેંક ઑફ બરોડા દ્વારા 4 નવેમ્બર 2026ના રોજ અમદાવાદ ખાતે રાજ્ય સ્તરીય બેંકર્સ સમિતિ (SLBC), ગુજરાતની 191મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકની અધ્યક્ષતા SLBC ગુજરાતના અધ્યક્ષ તથા બેંક ઑફ બરોડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લાલ સિંહે કરી હતી. બેઠકમાં ગુજરાતના બેંકિંગ ક્ષેત્રની કામગીરીની સમીક્ષા કરવાની સાથે કૃષિ, MSME, નાણાકીય સમાવેશ અને રાજ્યના આર્થિક વિકાસને લગતા વિવિધ મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં ભારત સરકારના નાણાકીય સેવા વિભાગના નિયામક સ્વાગત ભંડારી (IAS) વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જોડાયા હતા. આ ઉપરાંત ભારતીય રિઝર્વ બેંક, અમદાવાદના ક્ષેત્રીય નિયામક અમરેશ રંજન, નાબાર્ડના મુખ્ય મહાપ્રબંધક જી.વી. સુનીલ કુમાર, GLPCનાં મેનેજિંગ ડિરેક્ટર પ્રશસ્તિ પારીક (IAS), GULMના મિશન ડિરેક્ટર મહેશ જાની (IAS), ગુજરાત સરકારના નિયામક (સંસ્થાકીય વિત્ત) અમિત મીણા તથા SLBC ગુજરાતના કન્વીનર અને બેંક ઑફ બરોડાના જનરલ મેનેજર રવીશ કુમાર સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના વિભાગો, બેંકો તથા વિવિધ સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં સપ્ટેમ્બર 2026માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન ગુજરાતના બેંકિંગ ક્ષેત્રની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન રાજ્યની કુલ બેંક થાપણો ₹16.09 લાખ કરોડ અને કુલ ધિરાણ ₹15.15 લાખ કરોડ નોંધાયું હતું. જેમાં અનુક્રમે 8.77 ટકા અને 8.69 ટકાની ત્રિમાસિક વૃદ્ધિ જોવા મળી હતી. રાજ્યમાં બેંકિંગ સુવિધાઓનો વ્યાપ વધીને 11,189 બેંક શાખાઓ, 12,100 એટીએમ અને 49,257 સક્રિય બિઝનેસ કોરસ્પોન્ડન્ટ્સ (BCs) સુધી પહોંચ્યો હતો. જ્યારે રાજ્યનો ક્રેડિટ-ડિપોઝિટ (CD) રેશિયો 94.16 ટકા રહ્યો હતો.
વર્ષ 2026-27ની વાર્ષિક ધિરાણ યોજના હેઠળ બેંકોએ પ્રથમ છ મહિનામાં વાર્ષિક લક્ષ્યાંકના 76.71 ટકા જેટલી સિદ્ધિ મેળવી હતી અને ₹9.23 લાખ કરોડથી વધુનું ધિરાણ વિતરણ કર્યું હતું. જેમાં પ્રાથમિકતા ક્ષેત્ર હેઠળ ₹4.63 લાખ કરોડથી વધુનું ધિરાણ વિતરણ કરીને 72.86 ટકા લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો હતો.
બેઠક દરમિયાન કૃષિ ક્ષેત્ર, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME), નાણાકીય સમાવેશ, સામાજિક સુરક્ષા યોજનાઓ, સ્વસહાય જૂથોને બેંક ધિરાણ સાથે જોડવા, સ્ટાર્ટઅપ્સને ધિરાણ, ડિજિટલ પેમેન્ટ્સ અને સાયબર સુરક્ષા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ઓછો CD રેશિયો ધરાવતા ડાંગ, પોરબંદર અને નવસારી જિલ્લાઓમાં ધિરાણનો પ્રવાહ વધારવા તથા ખેડૂતો અને વંચિત વર્ગો સુધી બેંકિંગ સુવિધાઓ અને ધિરાણની પહોંચ વધુ મજબૂત બનાવવા ભાર મૂકવામાં આવ્યો હતો.
SLBCના વિશેષ અભિયાન ‘સમૂહથી સમૃદ્ધિ’ની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ અભિયાનના પ્રથમ પખવાડિયામાં જ 4,615 નવા સ્વસહાય જૂથોને બેંક ધિરાણ સાથે જોડવામાં આવ્યા હતા. ગુજરાતનાં 18,000 ગામોમાં મહિલાઓ દ્વારા સંચાલિત અમૂલ પાર્લરો સાથે ભાગીદારી કરીને સ્વસહાય જૂથોની આજીવિકાને પ્રોત્સાહન આપવા GLPC દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલની પણ બેઠકમાં પ્રશંસા કરવામાં આવી હતી.
બેઠકના અંતે ગુજરાત સરકાર, ભારતીય રિઝર્વ બેંક, નાણાકીય સેવા વિભાગ, નાબાર્ડ અને સભ્ય બેંકોએ રાજ્યમાં ધિરાણ વિતરણને વધુ વેગ આપવા, નાણાકીય સમાવેશનો વ્યાપ વધારવા અને સંતુલિત તથા ટકાઉ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે સામૂહિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2026-27ના બીજા ત્રિમાસિક ગાળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિવિધ લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરો (LDMs)નું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
