પાટણ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે ૨૨ ઓક્ટોબરે રાધનપુર ITI ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
ધોરણ-૧૦ પાસથી ગ્રેજ્યુએટ સુધીના ઉમેદવારોને વિવિધ ખાનગી કંપનીઓમાં નોકરી મેળવવાની તક, ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહેવું
કેપિટલ મેસેજ
Capital message
પાટણ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણ દ્વારા આગામી તા. ૨૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રાધનપુર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા પોતાની ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની સ્થળ પર પ્રાથમિક પસંદગી કરવામાં આવશે.
આ રોજગાર ભરતી મેળો ગુરુવાર, તા. ૨૨/૧૦/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઇ.ટી.આઇ., રાધનપુર, જિલ્લા પાટણ ખાતે યોજાશે. ભરતી મેળામાં મધરસન સુમી પ્રા. લિ., ગાંધીધામ, એલ એન્ડ ટી, વડનગર, વા મોડલ કેરિયર સેન્ટર, વડોદરા તેમજ ગ્રીનકો ચારણકા સોલાર એનર્જી પ્રા. લિ. જેવી સંસ્થાઓ ભાગ લેશે.
ભરતી મેળામાં મશીન ઓપરેટર, કન્સ્ટ્રક્શન વર્કમેન, ડેટા એન્ટ્રી ઓપરેટર, હેલ્પર, પ્રોડક્શન, સેલ્સ, ફાઇનાન્સ અને ટ્રેઇની સહિતની વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ધોરણ-૧૦ પાસ, ધોરણ-૧૨ પાસ, આઇ.ટી.આઇ.ના તમામ ટ્રેડ, ડિપ્લોમાના તમામ ટ્રેડ તેમજ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા ૧૮થી ૩૫ વર્ષની વયજૂથના ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના સ્વખર્ચે ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાનું રહેશે. ઉમેદવારોએ તમામ અસલ પ્રમાણપત્રો તથા તેની નકલો, બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અને બાયોડેટાની ત્રણથી ચાર નકલો સાથે લાવવાની રહેશે. રોજગાર કચેરીમાં અગાઉ નામ નોંધણી કરાવેલી ન હોય તેવા ઉમેદવારો પણ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.
રોજગારવાંચ્છુ ઉમેદવારોને ભરતી મેળામાં ભાગ લેવા માટે https://anubandham.gujarat.gov.in/home પોર્ટલનો ઉપયોગ કરવા તથા વધુ માહિતી માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાટણના હેલ્પલાઇન નંબર ૦૨૭૬૬-૨૨૩૧૭૮ પર સંપર્ક કરવા રોજગાર અધિકારી, પાટણની અખબારી યાદીમાં જણાવાયું છે.
