અંબાજીના પંથે પદયાત્રીઓની સેવા માટે શ્રીરામ સેવા સમિતિનો અવિરત સેવાયજ્ઞ

રાધનપુરની શ્રીરામ સેવા સમિતિ દ્વારા 37 વર્ષથી સેવા કેમ્પનું આયોજન : ભોજન-પ્રસાદ, મેડિકલ સેવા, ચા-નાસ્તો, ઠંડુ પાણી સહિત રાત્રિ રોકાણ અને આરામની સુવિધાઓથી માઈભક્તોને રાહત
કેપિટલ મેસેજ
Capital message
પાટણ : ભાદરવી પૂનમના મહામેળાને લઈને અંબાજી તરફ જતા માર્ગો હાલ માઈભક્તોના જયઘોષથી ગુંજી રહ્યા છે. ઉત્તર ગુજરાત સહિત દૂર-દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પદયાત્રી સંઘો અને માઈભક્તો પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે પદયાત્રીઓની સેવા માટે માર્ગો પર વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. રાધનપુરની શ્રીરામ સેવા સમિતિ દ્વારા પણ છેલ્લા 37 વર્ષથી અંબાજી જતા પદયાત્રીઓ માટે અવિરત સેવા કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
શ્રીરામ સેવા સમિતિ દ્વારા આયોજિત સેવા કેમ્પમાં અંબાજીના પંથે જતા પદયાત્રીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લાંબી પદયાત્રાના કારણે થાકેલા યાત્રિકોને આરામ મળી રહે તે માટે બેડ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ ઠંડુ પાણી, ચા-નાસ્તો તેમજ ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકો માટે ખીચડી-કઢી સહિતના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

પદયાત્રા દરમિયાન પગમાં દુખાવો, છાલા પડવા સહિતની સામાન્ય તકલીફોનો સામનો કરતા યાત્રિકો માટે સેવા કેમ્પમાં મેડિકલ સુવિધા અને જરૂરી દવાઓની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. દિવસ દરમિયાન આરામ તેમજ રાત્રિના સમયે રોકાણ કરી શકાય તેવી સુવિધાઓના કારણે લાંબી પદયાત્રા કરી રહેલા માઈભક્તોને મોટી રાહત મળી રહી છે.
શ્રીરામ સેવા સમિતિના યુવાનો, આગેવાનો અને સેવાભાવી કાર્યકરો દ્વારા દિવસ-રાત ખડેપગે રહી પદયાત્રીઓની સેવા કરવામાં આવી રહી છે. અંબાજી તરફ આગળ વધી રહેલા માઈભક્તોને કોઈ અગવડ ન પડે અને તેમની યાત્રા સુખદ બને તે માટે કેમ્પ ખાતે સતત સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે. 37 વર્ષથી ચાલી આવતી આ સેવા પરંપરા દ્વારા શ્રીરામ સેવા સમિતિ દ્વારા પદયાત્રીઓની સેવા સાથે સેવાભાવ અને માનવતાનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
