પાટણ જિલ્લામાં બોગસ ડોક્ટરો સામે પોલીસનું મેગા ઓપરેશન: મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા 5 શખ્સો ઝડપાયા

રાધનપુર, સમી, કાકોશી અને સરસ્વતી વિસ્તારમાં સંયુક્ત દરોડા; દવાઓ, ઈન્જેક્શન અને મેડિકલ સાધનો સહિત રૂ. 26,901નો મુદ્દામાલ જપ્ત, પાંચેય સામે ગુના નોંધાયા
૨૭, નવેમ્બર, ૨૦૨૬
કેપિટલ મેસેજ
પાટણ જિલ્લામાં મેડિકલ ડિગ્રી કે જરૂરી લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરો સામે જિલ્લા પોલીસ અને આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમોએ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડીને કુલ પાંચ શખ્સોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી દવાઓ, ઈન્જેક્શન અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ. 26,901નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
બનાસકાંઠા રેન્જના ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચના અને માર્ગદર્શન હેઠળ LCB અને SOG પોલીસ દ્વારા આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસરોને સાથે રાખીને અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ 26 નવેમ્બર, 2026ના રોજ રાધનપુર, સમી, કાકોશી અને સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એકસાથે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન કોઈપણ માન્ય મેડિકલ લાયકાત કે લાયસન્સ વગર દર્દીઓને દવાઓ અને ઈન્જેક્શન આપતા પાંચ શખ્સો મળી આવતાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે ઝડપેલા શખ્સોમાં રાધનપુરના રંગરેજવાસમાં રહેતા ઈમ્તીયાજ ગુલામનબી મેમણ, સમી તાલુકાના વેડ ગામે રહેતા ઠાકોર વિશાલ તલાજી, સિદ્ધપુર તાલુકાના કુવારા ગામના ઠાકોર સોમાજી ભીખાજી બબાજી અને મનીષકુમાર નટવરલાલ પટેલ તેમજ પાટણના સુલસનવાડામાં રહેતા ઈલમોદિન ઉર્ફે ઈલીયાસ જબારભાઈ તુવરનો સમાવેશ થાય છે.
આ પાંચેય શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 319(2) તથા મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ સંબંધિત પોલીસ સ્ટેશનોમાં અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. પોલીસે દવાઓ, ઈન્જેક્શન અને મેડિકલ સાધનો સહિત રૂ. 26,901નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બોગસ તબીબો સામે પોલીસ અને આરોગ્ય વિભાગની આ સંયુક્ત કાર્યવાહીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
