પાટણ જનતા કેન્સર હોસ્પિટલનું થશે ઉદ્ઘાટન: હવે કેન્સરની તમામ સારવાર પાટણમાં

કેપિટલ મેસેજ
Capital message
30, October, 2026
પાટણ શહેરમાં જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શેઠશ્રી પોપટલાલ ભીખાભાઈ પાટણ જનતા કેન્સર હોસ્પિટલના ભવ્ય ઉદ્ઘાટનને લઈ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ હોસ્પિટલનું ઉદ્ઘાટન આગામી રવિવાર, તા. ૧ નવેમ્બર, ૨૦૨૬ના રોજ બપોરે ૩:૦૦ કલાકે પાટણના સરદારગંજ, માર્કેટયાર્ડ ખાતે યોજાવાનું છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા પાટણ જનતા કેન્સર હોસ્પિટલના મુખ્ય દાતા વિનોદભાઈ હરિભાઈ જવેરી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ એસ. ડાભી, પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટભાઈ સી. પટેલ, રોટરી ગ્રુપના ચેરમેન સુધીરભાઈ યુ. મહેતા તથા વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ ભાવેશભાઈ એસ. લાખાણી સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિતિ આપશે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રસ્ટી મનસુખભાઈ પટેલ તેમજ ડો. પ્રમોદભાઈ પટેલ અને પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમ અને કેન્સરના દર્દીઓ માટે ઉપલબ્ધ થનારી આધુનિક સારવાર સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. પાટણ તથા આસપાસના વિસ્તારોના દર્દીઓને કેન્સરની સારવાર માટે આધુનિક સુવિધાઓનો લાભ મળી રહે તે દિશામાં આ હોસ્પિટલ મહત્વપૂર્ણ બની રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.

જીવન જ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ, પાટણ દ્વારા આયોજિત આ ઉદ્ઘાટન સમારોહમાં નાગરિકો અને મહાનુભાવોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
