રાધનપુરમાં વોર્ડ નંબર-૪ના કડિયાવાસમાં પાયાની સુવિધાઓનો અભાવ, ગટર-રસ્તા અને સફાઈની સમસ્યાથી રહીશો પરેશાન

દિવાળી નજીક હોવા છતાં કચરો ઉપાડવા સફાઈ કર્મચારીઓ આવતા ન હોવાની સ્થાનિકોની ફરિયાદ; ગંદા પાણીના નિકાલ અને તૂટેલા રસ્તાઓના પ્રશ્ને નગરપાલિકાની કામગીરી સામે સવાલો
કેપિટલ મેસેજ
Capital message
30, October, 2026
રાધનપુર શહેરના વોર્ડ નંબર-૪ના કડિયાવાસ વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવે સ્થાનિક રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી છે. વિસ્તારના રહીશોના જણાવ્યા મુજબ, ગટરનાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી, રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે અને નિયમિત સફાઈ પણ થતી નથી. દિવાળીના તહેવાર નજીક હોવા છતાં કચરો ઉપાડવા માટે ગાડી આવતી ન હોવાની ફરિયાદો વચ્ચે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.
સ્થાનિક રહીશ રૂબેદાબેને પોતાની સમસ્યા રજૂ કરતાં જણાવ્યું હતું કે, વિસ્તારમાં ગટરનું પાણી કાઢવામાં આવતું નથી અને પાણી પણ અઠવાડિયે એક વખત આવે છે. રસ્તો સંપૂર્ણપણે તૂટેલી હાલતમાં હોવાથી અવરજવરમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લાંબા સમયથી આવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાની તેમની રજૂઆત છે.
કડિયાવાસના રહીશ બદરિશભાઈ બેચરભાઈ સથવારાએ પણ વિસ્તારની સ્થિતિ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, વિસ્તારમાં વાહનોની અવરજવર માટે યોગ્ય રસ્તાની સુવિધા નથી, ગટરોની સ્થિતિ પણ સારી નથી અને સફાઈ કર્મચારીઓ નિયમિત આવતા નથી. રહીશો પોતાની રીતે કચરો એકત્રિત કરે તો પણ તેને ઉપાડવા માટે કોઈ આવતું ન હોવાની તેમણે ફરિયાદ કરી હતી.

આ ઉપરાંત, વોર્ડ નંબર-૪નાં દક્ષાબેને જણાવ્યું હતું કે, વિસ્તારમાં કચરો ઉપાડવા માટેની ગાડી હજી સુધી આવી નથી. દિવાળીના તહેવાર દરમિયાન ઘરોમાં સાફસફાઈ થતી હોય ત્યારે કચરાનો યોગ્ય નિકાલ ન થાય તો ગટર સાફ રાખવામાં પણ મુશ્કેલી ઊભી થાય છે. સાથે જ રસ્તાઓની ખરાબ હાલતને કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
એક તરફ તહેવારોને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા અને સફાઈની જરૂરિયાત વધી રહી છે, ત્યારે બીજી તરફ સ્થાનિકો દ્વારા ગટર, રસ્તા, પાણી અને કચરાના નિકાલ જેવી પાયાની સમસ્યાઓ રજૂ કરવામાં આવી રહી છે. ત્યારે રાધનપુર નગરપાલિકા દ્વારા આ ફરિયાદોની સ્થળ તપાસ કરી, નિયમિત સફાઈ, કચરાના નિકાલ, ગટરની સફાઈ અને તૂટેલા રસ્તાઓના સમારકામ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માગ છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ, રાધનપુર
