પાટણમાં પદ્મશ્રી મહેશ-નરેશ કનોડિયાની પુણ્યતિથિ નિમિત્તે સંગીતમય સ્મરાંજલિ યોજાઈ

ઐતિહાસિક પાટણની ધરતી પર ગુજરાતના લોકપ્રિય કલાકાર લલિત મંડલીની વિશેષ ઉપસ્થિતિમાં પદ્મશ્રી મહેશ કનોડિયા અને પદ્મશ્રી નરેશ કનોડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયો ભવ્ય સંગીતમય સ્મરાંજલિ કાર્યક્રમ
કેપિટલ મેસેજ
Capital message
29, October, 2026
પાટણમાં પદ્મશ્રી મહેશ-નરેશ કનોડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયો ભવ્ય “એક શામ મહેશ નરેશ કનોડિયા કે નામ” સંગીતમય સ્મરાંજલિ કાર્યક્રમ
ઐતિહાસિક ભૂમિ એવી પાટણની ધરતી પર ગુજરાતના લોકપ્રિય કલાકારો સ્વ મહેશ નરેશ કનોડિયાની સ્મૃતિમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ચલચિત્ર જગતના બે અનમોલ હીરા, જેમણે પોતાનું સમગ્ર જીવન લોકસંગીત અને કલા સેવા પાછળ અર્પણ કરી દીધું, તેવા યુગયુગાંતર સુધી યાદ રહેનારા પદ્મશ્રી મહેશ કનોડિયા અને પદ્મશ્રી નરેશ કનોડિયાની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ગુજરાતમાં “જુનિયર નરેશ કનોડિયા” તરીકે ખ્યાતિ પામેલા જાણીતા એક્ટર લલિત મંડલી અમદાવાદ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પાટણની ધરતી પર આવવાનો અને આ મહાનુભાવોની સ્મરાંજલિમાં સામેલ થવાનો અદ્ભુત લહાવો મળ્યો હોવાની ભાવના વ્યક્ત કરી હતી.
આ ભવ્ય કાર્યક્રમમાં જાણીતા કલાકારો જીત બારોટ, લલિત મંડલી અને ટીનુરાજ ડાન્સર દ્વારા પોતાની કલા રજૂ કરવામાં આવી હતી. પદ્મશ્રી મહેશ કનોડિયા અને પદ્મશ્રી નરેશ કનોડિયાની અજોડ કલાસાધના અને ભાઈઓની અતૂટ જોડીને યાદ કરતા, “સાથે જીવશું સાથે મરશું” ની આજીવન ભાવનાને સાર્થક કરતા આ દિવ્ય કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. “એક શામ મહેશ નરેશ કનોડિયા કે નામ” સંગીતમય સ્મરાંજલિ કાર્યક્રમ દ્વારા બંને મહાનુભાવોના લોકપ્રિય અને સદાબહાર ગીતોની પ્રસ્તુતિ કરીને એક અદ્ભુત ભાવનાત્મક માહોલ સર્જવામાં આવ્યો હતો. પદ્મશ્રી મહેશભાઈ કનોડિયાની સંગીત રચનાઓ અને પદ્મશ્રી નરેશભાઈ કનોડિયાનો અભિનય આજે પણ ગુજરાતના ઘરે-ઘરે લોકોના દિલમાં જીવંત છે.

આજે ભલે આ મહાનુભાવો આપણી વચ્ચે ભૌતિકરૂપે નથી, પરંતુ તેમના સંસ્કારો અને કલા હંમેશાં અમર રહેશે. આ સુંદર કાર્યક્રમને સફળ બનાવનાર તમામ સહયોગીઓ, કલાકારો અને ઉપસ્થિત સૌ કલાપ્રેમી જનસમુદાયનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
