ડભોઈ તાલુકાના સેજપુરા ગામે ગટરના ગંદા પાણીથી ગ્રામજનો ત્રાહિમામ લાખો રૂપિયાના ખર્ચે બનેલી નવી ગટર લાઇન શોભાના ગાંઠિયા સમાન

સેજપુરા-રાજલી-મંડાળા મેઇન રોડ પર ગંદકીનું સામ્રાજ્ય: નવી લાઇનમાંથી પાણીનું ટીપુંય ન નીકળતાં સરકારી નાણાંનો વેડફાટ થયો હોવાનો રોષ
કેપિટલ મેસેજ
Capital message
29, October, 2026
ડભોઈ તાલુકાના સેજપુરા ગામમાં ગંદા પાણીના યોગ્ય નિકાલના અભાવે ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગામમાંથી પસાર થતા સેજપુરા-રાજલી-મંડાળા મુખ્ય માર્ગ પર ગટરના ગંદા પાણી ખુલ્લેઆમ રેલાતાં સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ અને ગંદકી ફેલાઈ ગઈ છે. ગામમાં લાખો રૂપિયાના આંધણ બાદ પણ સમસ્યા ઠેરની ઠેર રહેતાં સ્થાનિક રહીશોમાં પંચાયત તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે
લાખોનો ખર્ચ છતાં પરિણામ શૂન્ય: સેજપુરા ગામમાં વર્ષો જૂની ગટર વ્યવસ્થા અને ગંદા પાણીના ભરાવાની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે આશરે ₹૧ થી ૧.૫ લાખના ખર્ચે નવી ગટર લાઇન નાખવામાં આવી હતી. જોકે આયોજનના અભાવે કે નબળી કામગીરીને કારણે નવી ગટર લાઇનમાં પાણીનું એક ટીપું પણ જતું નથી. પરિણામે સરકારી તિજોરીમાંથી ખર્ચાયેલા રૂપિયા પાણીમાં ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે મુખ્ય માર્ગ પર ગંદા પાણીનાં ખાબોચિયાં નવી લાઇન ગટર કાર્યરત ન થતાં જૂની ગટરનું ગંદુ પાણી ઓવરફ્લો થઈને સેજપુરા-રાજલી-મંડાળા મેઇન રોડ પર ફરી વળ્યું છે. આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓ તેમજ શાળાએ જતાં બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે.ભયાનક રોગચાળો ફેલાવાની ભીતિ: માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ગટરના પાણી ભરાઈ રહેવાથી મચ્છરો અને ઝેરી જીવજંતુઓનો ભારે ઉપદ્રવ વધ્યો છે. સ્થાનિકોમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને કમળા જેવા ગંભીર રોગચાળો વકરે તેવી દહેશત સેવાઈ રહી છે.તંત્ર કુંભકર્ણ નિદ્રામાંથી જાગે તેવી માંગ: વારંવારની રજૂઆતો છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. ગામજનોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ સ્થળ તપાસ કરી નબળી કામગીરી કરનાર સામે પગલાં લે અને નવી ગટર લાઇનનું યોગ્ય લેવલિંગ કરાવી પાણીનો તાત્કાલિક કાયમી નિકાલ કરવામાં આવે.

સ્થાનિક રહીશો હવે ચીમકી આપી રહ્યા છે કે જો પંચાયત તંત્ર વહેલી તકે આ ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં લાવે, તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
