જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નરેશ પરમારની બે રજૂઆતોને સફળતા
બાલીસણા ITI પાસે બસ સ્ટોપેજ માટે એસ.ટી. વિભાગને સૂચના, પાટણ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિની રચના કરવા કડક આદેશ
કેપિટલ મેસેજ
Capital message
પાટણ, તા. ૨૧/૧૦/૨૦૨૬
પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે બપોરે ૩:૦૦ કલાકે યોજાયેલા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નરેશ પરમાર દ્વારા કરવામાં આવેલી બે મહત્ત્વપૂર્ણ રજૂઆતોના સંદર્ભમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
“બાલીસણા ITI પાસે બસ સ્ટોપેજ માટે સૂચના”
બાલીસણા ગામે ITI પાસે વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને મુસાફરોની સુવિધા માટે બસ સ્ટોપેજની વ્યવસ્થા કરવા નરેશ પરમારે રજૂઆત કરી હતી. આ રજૂઆતના સંદર્ભમાં ડેપો મેનેજર, પાટણ દ્વારા દસ દિવસમાં સ્ટોપેજ બોર્ડ લગાવી બસો ઊભી રાખવા માટે તમામ ડિવિઝનોને સૂચના આપવામાં આવશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક મુસાફરોને પરિવહનની સુવિધા ઉપલબ્ધ થવાની આશા છે.
“ગ્રામ પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિની રચના કરવા કડક સૂચના”
પાટણ જિલ્લાની ૪૮૭ ગ્રામ પંચાયતો પૈકી ૪૨૬ ગ્રામ પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિની રચના થઈ ચૂકી છે, જ્યારે ૬૧ ગ્રામ પંચાયતોમાં સમિતિની રચના બાકી છે. બાકી રહેલી તમામ ગ્રામ પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિની તાત્કાલિક રચના કરવામાં આવશે.
આ રજૂઆતના સંદર્ભમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ બાકી રહેલી ૬૧ ગ્રામ પંચાયતોમાં સામાજિક ન્યાય સમિતિની રચના ત્વરિત પૂર્ણ કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી હતી.
નરેશ પરમારે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પરિવહનની સુવિધા મળે તથા અનુસૂચિત જાતિ સહિત વંચિત વર્ગોના હિતોનું રક્ષણ થાય અને પંચાયતી રાજ વ્યવસ્થામાં સામાજિક ન્યાયને પ્રાધાન્ય મળે તે હેતુથી તેઓ સતત રજૂઆતો કરતા રહેશે.
નરેશ પરમાર
પ્રમુખ, પાટણ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો
પૂર્વ ચેરમેન, સામાજિક ન્યાય સમિતિ, તાલુકા પંચાયત પાટણ
