ઉતરાયણ નહીં, દશેરાએ પતંગોત્સવની અનોખી પરંપરા: સિદ્ધપુરમાં આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું

રાજા સિદ્ધરાજ જયસિંહના અવસાનના શોકની પરંપરાને કારણે ઉત્તરાયણના બદલે દશેરાએ પતંગ ચગાવી પર્વની અનોખી ઉજવણી કરે છે સિદ્ધપુરવાસીઓ
કેપિટલ મેસેજ
Capital message
સિદ્ધપુર: ગુજરાતમાં સામાન્ય રીતે મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, પરંતુ પાટણ જિલ્લાના ઐતિહાસિક નગર સિદ્ધપુરમાં પતંગ ચગાવવાની પરંપરા કંઈક અલગ જ છે. અહીં ઉત્તરાયણના બદલે દશેરાના પવિત્ર દિવસે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ અનોખી પરંપરા સિદ્ધપુરની આગવી ઓળખ બની રહી છે.

સ્થાનિક માન્યતા અનુસાર, ઉત્તરાયણના દિવસે સિદ્ધપુરના રાજા સિદ્ધરાજ જયસિંહનું અવસાન થયું હોવાથી આ દિવસે સિદ્ધપુરવાસીઓ શોક પાળે છે અને પતંગ ચગાવતા નથી. તેના બદલે દશેરાના દિવસે પતંગોત્સવની ઉજવણી કરીને ઉત્સવનો આનંદ માણે છે. આ પરંપરાને કારણે સિદ્ધપુરમાં દશેરાનું પર્વ પતંગપ્રેમીઓ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે.

દશેરાના દિવસે વહેલી સવારથી જ સિદ્ધપુરના આકાશમાં રંગબેરંગી પતંગો ઉડતી જોવા મળે છે. શહેરના ધાબાં, અગાશીઓ અને ખુલ્લી જગ્યાઓ પર લોકો પરિવારજનો તથા મિત્રો સાથે એકત્રિત થઈ પતંગ ચગાવવાનો આનંદ માણે છે. સમગ્ર શહેરમાં પતંગોની રંગીન છટા અને લોકોના ઉત્સાહથી જાણે ઉત્તરાયણ જેવો માહોલ સર્જાય છે.
આ દિવસે સિદ્ધપુરવાસીઓ ફાફડા-જલેબી સહિતની પરંપરાગત વાનગીઓનો સ્વાદ માણી પતંગોત્સવની મોજ માણે છે. સવારથી સાંજ સુધી આકાશમાં પતંગોની જમાવટ જોવા મળે છે અને દશેરાના પર્વમાં ઉત્સાહ, ઉમંગ તથા સામૂહિક આનંદનો અનોખો રંગ ઉમેરાય છે.

સિદ્ધપુરની આ વિશિષ્ટ પરંપરા માત્ર પતંગ ચગાવવાના ઉત્સવ પૂરતી મર્યાદિત નથી, પરંતુ શહેરની ઐતિહાસિક માન્યતાઓ, સ્થાનિક સંસ્કૃતિ અને પેઢી દર પેઢી જળવાઈ રહેલી પરંપરાનું પણ પ્રતીક છે. ઉત્તરાયણના બદલે દશેરાએ પતંગ ચગાવવાની આ અનોખી રીત સિદ્ધપુરને અન્ય શહેરોથી અલગ ઓળખ આપે છે.
રિપોર્ટ: રાજેશ જાદવ, પાટણ
