ટપાલ સેવાઓને લગતી ફરિયાદોના નિવારણ માટે પાટણમાં તા.૨૬ ઓક્ટોબરે ડાક અદાલત યોજાશે
સ્પીડ પોસ્ટથી લઈને બચત ખાતા સુધીની ફરિયાદોનું નિરાકરણ લાવવા ડાક અદાલતનું આયોજન
કેપિટલ મેસેજ
Capital message
પાટણ પોસ્ટલ વિભાગ દ્વારા ગ્રાહકોની ફરિયાદોનું ઝડપી, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવાના હેતુથી તા.૨૬ ઓક્ટોબર, ૨૦૨૬ના સોમવારે સવારે ૧૧:૩૦ કલાકે પાટણ વિભાગીય પોસ્ટલ કચેરી ખાતે ઓક્ટોબર માસની ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ડાક અદાલતમાં સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ, પાર્સલ, મની ઓર્ડર, પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (PLI), રૂરલ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI), બચત બેંક ખાતા, સુકન્યા સમૃદ્ધિ યોજના, વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS), માસિક આવક યોજના (MIS), ટાઇમ ડિપોઝિટ (TD), રિકરિંગ ડિપોઝિટ (RD), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC), કિસાન વિકાસ પત્ર (KVP), આધાર સેવાઓ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB), એટીએમ/ડેબિટ કાર્ડ, મોબાઇલ બેન્કિંગ, AEPS સહિતની વિવિધ પોસ્ટલ સેવાઓને લગતા પ્રશ્નો અને ફરિયાદો રજૂ કરી શકાશે.
આ ઉપરાંત, ટપાલના વિલંબ, ગુમ થયેલા અથવા નુકસાનગ્રસ્ત લેખો, વળતર, ખાતાના વ્યવહારો, વ્યાજ, ખાતા ટ્રાન્સફર, નામાંકન, PLI/RPLIના દાવા તથા IPPBને લગતી ફરિયાદોનો પણ સમાવેશ કરવામાં આવશે.
ફરિયાદી ગ્રાહકોએ પોતાની ફરિયાદ સંપૂર્ણ વિગતો સાથે લેખિતમાં રજૂ કરવાની રહેશે. જેમાં પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર, સંબંધિત પોસ્ટ ઓફિસનું નામ, ફરિયાદની વિગતવાર અરજી તેમજ અગાઉ કરવામાં આવેલા પત્રવ્યવહારની નકલો સામેલ કરવાની રહેશે. આવી ફરિયાદો તા.૨૨ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં નિર્ધારિત સરનામે મોકલી આપવાની રહેશે.
પાટણ પોસ્ટલ વિભાગ દ્વારા ગ્રાહકલક્ષી સેવાઓને વધુ અસરકારક બનાવવા અને ગ્રાહકોની સમસ્યાઓનું સમયબદ્ધ નિરાકરણ લાવવા માટે આ ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આથી તમામ ગ્રાહકો, બચત ખાતાધારકો અને વીમાધારકોને પોતાની ટપાલ સેવાઓ સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે આ તકનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ અંગે સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીઝ, પાટણ ડિવિઝન, પાટણ-૩૮૪૨૬૫ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
