શેઠ એમ. એન. હાઇસ્કૂલ, પાટણના બે વિદ્યાર્થીઓ રૂરલ આઈ.ટી. ક્વિઝમાં ટોપ ફાઈવમાં
પરમાર સાહિલ દ્વિતીય અને સથવારા ભવ્ય ચતુર્થ ક્રમે; બંને વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી
કેપિટલ મેસેજ
Capital message
ગુજરાત કાઉન્સિલ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને માહિતીપ્રદ ક્ષેત્રો પ્રત્યે રુચિ વિકસે તેમજ સંશોધનાત્મક અભિગમ કેળવાય તે હેતુથી દર વર્ષે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે પાટણ ખાતે લોક વિજ્ઞાન કેન્દ્ર, આદર્શ વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની રૂરલ આઈ.ટી. ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી.
આ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓની કુલ 25 શાળાઓના આશરે 100 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાના પ્રથમ તબક્કામાં અંગ્રેજી ભાષામાં લેખિત MCQ ટેસ્ટ યોજાયો હતો. ત્યારબાદ પસંદગી પામેલા વિદ્યાર્થીઓ વચ્ચે અંગ્રેજી ભાષામાં જ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઇસ્કૂલ,પાટણના ધોરણ-11 સાયન્સના વિદ્યાર્થીઓ પરમાર સાહિલ રાજેશભાઈ અને સથવારા ભવ્ય ભરતભાઈએ શાળાના સાયન્સ પ્રવાહના મદદનીશ શિક્ષક રમેશભાઈ વાગડિયાના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો.
શેઠ એમ. એન. હાઇસ્કૂલ માટે આનંદ અને ગૌરવની બાબત એ છે કે, બંને વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની આ રૂરલ આઈ.ટી. ક્વિઝમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ટોપ ફાઈવમાં સ્થાન મેળવ્યું છે. કુલ 25 શાળાઓના 100 જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે અંગ્રેજી ભાષામાં
યોજાયેલી સ્પર્ધામાં પરમાર સાહિલ રાજેશભાઈએ દ્વિતીય ક્રમ અને સથવારા ભવ્ય ભરતભાઈએ ચતુર્થ ક્રમ પ્રાપ્ત કર્યો છે.
આ સાથે જ બંને વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાની રૂરલ આઈ.ટી. ક્વિઝ સ્પર્ધા માટે પાટણ જિલ્લાની ટીમમાં પસંદગી થઈ છે. હવે બંને વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. શાળાના બંને વિદ્યાર્થીઓની આ સિદ્ધિ શાળા પરિવાર માટે ગૌરવની બાબત બની છે.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉ. જે. કે. પટેલ,મંત્રી મનસુખભાઈ પટેલ, શાળાના ઉત્સાહી આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર શાળા પરિવારે બંને વિદ્યાર્થીઓ પરમાર સાહિલ રાજેશભાઈ અને સથવારા ભવ્ય ભરતભાઈ તેમજ તેમના માર્ગદર્શક શિક્ષક રમેશભાઈ વાગડિયાને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને આગામી રાજ્યકક્ષાની સ્પર્ધામાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બનવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
