પાટણપેક્સ-2026 ટપાલ ટિકિટ પ્રદર્શનનો શુભારંભ

ટપાલ ટિકિટો ઇતિહાસ અને વર્તમાન વચ્ચેનો સુંદર સેતુ : ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત
‘પાટણપેક્સ-2026’નો ભવ્ય શુભારંભ; Gen-Z અને Gen-Alphaને ભારતની વિરાસત સાથે જોડવાનું માધ્યમ બનશે ફિલેટેલી : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ
પાટણની વિરાસતને ટપાલ ટિકિટોમાં સ્થાન; રાણી કી વાવ સહિત પાંચ ઐતિહાસિક ધરોહર સાથે વિશેષ કવરનું વિમોચન
કેપિટલ મેસેજ
Capital message
પાટણ જિલ્લામાં પ્રથમ વખત આયોજિત દ્વિ-દિવસીય જિલ્લા સ્તરીય ટપાલ ટિકિટ પ્રદર્શન ‘પાટણપેક્સ-2026’નો આજે તા.૦૫ ઓક્ટોબરના રોજ સિદ્ધપુર સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના દીક્ષાંત સભાગૃહ ખાતે ઉત્તર ગુજરાત ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ તથા સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ સી. રાજપૂતના હસ્તે રિબન કાપી તથા દીપ પ્રાગટ્ય કરી ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે, “ટપાલ ટિકિટ ખરેખર એક નાનકડા રાજદૂત સમાન છે, જે વિવિધ દેશોની સભ્યતા, સંસ્કૃતિ અને વિરાસતથી આપણને પરિચિત કરાવે છે. દરેક ટપાલ ટિકિટ પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે. આ વાર્તાઓના માધ્યમથી આજની Gen-Z અને Gen-Alpha યુવા પેઢીને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત સાથે જોડવાની જરૂર છે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘પાટણપેક્સ-2026’નો મુખ્ય હેતુ યુવાનોમાં ફિલેટેલી એટલે કે ટપાલ ટિકિટ સંગ્રહ પ્રત્યે રુચિ કેળવવા સાથે તેના શૈક્ષણિક અને સાંસ્કૃતિક મહત્વથી પરિચિત કરાવવાનો છે. ટપાલ ટિકિટોના માધ્યમથી યુવાનો ભારતના ઇતિહાસ, સ્વાતંત્ર્ય સંગ્રામ, મહાન વ્યક્તિત્વો, સાહિત્ય, કલા-સ્થાપત્ય, વિજ્ઞાન-ટેકનોલોજી, જૈવ વિવિધતા, રમતગમત અને અવકાશ સહિતના વિવિધ વિષયોથી પરિચિત થઈ શકે છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ વચ્ચે ફિલેટેલી જેવી સર્જનાત્મક પ્રવૃત્તિ યુવા પેઢી માટે જ્ઞાનવર્ધક અને સકારાત્મક શોખ બની શકે છે. ફિલેટેલીને ‘કિંગ ઓફ હોબીઝ અને હોબી ઓફ કિંગ્સ’ તરીકે ઓળખવામાં આવે છે.

પાટણની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતાં આ પ્રસંગે ટપાલ વિભાગ દ્વારા ‘પાટણની વિરાસત’ તથા ગાંધી આશ્રમ, ઝીલિયા પર વિશેષ કવર અને વિશેષ વિરૂપણ (Special Cancellation) બહાર પાડવામાં આવ્યા હતા. ‘પાટણની વિરાસત’ પરના વિશેષ કવરમાં પાટણની ઓળખ સમાન રાણી કી વાવ, રુદ્ર મહાલય, બિંદુ સરોવર, સહસ્ત્રલિંગ તળાવ અને પાટણના પટોળાને સ્થાન આપવામાં આવ્યું છે. રાણી કી વાવ પર વર્ષ ૨૦૧૪માં તથા પાટણના પટોળા પર વર્ષ ૨૦૦૨માં ભારત સરકાર દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી ચૂકી છે.
સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ સી. રાજપૂતે જણાવ્યું હતું કે, “ફિલેટેલી ઇતિહાસ અને વર્તમાન વચ્ચે એક સુંદર સેતુનું કાર્ય કરે છે.” ટપાલ ટિકિટો ભારતની વિવિધતા અને ગૌરવશાળી ભૂતકાળને સમજવાની તક પૂરી પાડે છે. દેશ અને પ્રદેશના સમૃદ્ધ ઇતિહાસનો પરિચય કરાવવામાં ટપાલ ટિકિટોનું વિશેષ મહત્વ છે. પાટણ જિલ્લામાં પ્રથમ વખત આવા પ્રદર્શનના આયોજન બદલ તેમણે ટપાલ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા.
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) એમ. એસ. રાવે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ માટે ફિલેટેલી માત્ર શોખ જ નહીં, પરંતુ જ્ઞાનવર્ધનનું પણ સશક્ત માધ્યમ છે.
‘પાટણપેક્સ-2026’માં દેશ-વિદેશમાં બહાર પાડવામાં આવેલી ટપાલ ટિકિટો તથા વિવિધ ફિલેટેલિક આઇટમ્સની કુલ ૮૬ ફ્રેમ પ્રદર્શિત કરવામાં આવી છે. પાટણની વિરાસત સહિત વિવિધ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને જ્ઞાનવર્ધક વિષયોને આવરી લેતી ટપાલ ટિકિટો પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ બની છે.

પાટણ મંડળના ટપાલઘર અધિક્ષક આર. એ. ગોસ્વામીએ જણાવ્યું હતું કે, પ્રદર્શન તા.૦૫ અને ૦૬ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન સવારે ૧૦:૩૦થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. પ્રદર્શન દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ માટે પત્રલેખન સ્પર્ધા, પ્રશ્નોત્તરી અને ટપાલ ટિકિટ ડિઝાઇન સહિતની વિવિધ સ્પર્ધાઓ યોજાશે. ઉપરાંત પોતાની તથા સ્વજનોની તસવીર સાથે ટપાલ ટિકિટ છપાવવાની સુવિધા ધરાવતું ‘માય સ્ટેમ્પ’ કાઉન્ટર પણ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આ પ્રસંગે આસિસ્ટન્ટ ડિરેક્ટર અલ્પેશ શાહ, આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ કે. બાલા સુબ્રમણ્યમ, વિરંગ શાહ, પોસ્ટલ ઈન્સ્પેક્ટર શાહનવાઝ ઘાંચી, નેહલ પટેલ, જીતેન્દ્ર અડાલિયા સહિત ટપાલ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, ફિલેટેલિસ્ટ, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રોફેસરો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
