ડભોઇના કુકડ ગામે તળાવ કિનારે ૧૦ ફૂટ લાંબો મહાકાય અજગર દેખાયો: સ્થાનિક યુવાનોની સમયસૂચકતા બાદ વન વિભાગે સુરક્ષિત રેસ્ક્યૂ કરી જંગલમાં મુક્ત કર્યો
કેપિટલ મેસેજ
Capital message
ડભોઇ તાલુકાના કુકડ ગામે તળાવ કિનારે અચાનક ૧૦ ફૂટ લાંબો મહાકાય અજગર નજરે પડતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિક લોકોમાં થોડો સમય ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ ગામના યુવાનોએ સમયસૂચકતા દાખવી મોટો અનિચ્છનીય બનાવ બનતાં અટકાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, કુકડ ગામના તળાવ કિનારેથી પસાર થતાં ગ્રામજનોનું ધ્યાન એક વિશાળ અજગર પર ગયું હતું. આ વાત વાયુવેગે ફેલાતાં જ ત્યાં સ્થાનિક લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયાં હતાં.પરિસ્થિતિની ગંભીરતા સમજી ગામના જાગૃત યુવાનોએ સાહસ અને ધીરજ દાખવી, અજગર કોઈને નુકસાન ન પહોંચાડે અથવા ઝાડીઓમાં ગાયબ ન થઈ જાય તે માટે તેના પર કોથળો નાખી તેને સાવચેતીપૂર્વક ઢાંકી દીધો હતો.

ત્યારબાદ ગ્રામજનો દ્વારા તાત્કાલિક આ બાબતે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવની માહિતી મળતાં જ વન વિભાગની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. વનકર્મીઓએ ભારે જહેમત બાદ ૧૦ ફૂટ લાંબા આ અજગરનું સુરક્ષિત અને સફળ રેસ્ક્યૂ કરી તેને પાંજરે પૂર્યો હતો. પ્રાથમિક તપાસ બાદ વન વિભાગ દ્વારા અજગરને માનવ વસ્તીથી દૂર તેના કુદરતી આવાસ એવા ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો, જેથી ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.સ્થાનિકોના જણાવ્યા મુજબ, કુકડ પાસે આવેલા તળાવ અને આસપાસના ભેજવાળા વિસ્તારમાંથી શિકાર કે ખોરાકની શોધમાં આ મહાકાય અજગર બહાર આવી ચડ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ :- ફઝલ રઝાક ખત્રી, ડભોઈ
