રાધનપુરમાં બે પાણીના બોર બંધ છતાં ખાનગી એજન્સીને દર મહિને રૂ.1.75 લાખ ચૂકવાય છે : જયા ઠાકોર

રાધનપુરમાં પીવાના પાણી માટે લોકો પરેશાન, પાલિકાના વહીવટ સામે સવાલો : વિપક્ષી સદસ્યે ગેરવહીવટના આક્ષેપો કરી કાયદાકીય લડતની ચીમકી આપી

કેપિટલ મેસેજ
Capital message
રાધનપુર નગરપાલિકા વોર્ડ નં. ૧ના વિપક્ષી સદસ્ય જયા ઠાકોરે વિડિયો મારફતે રાધનપુર શહેરની પાણી વ્યવસ્થા અને પાલિકાના વહીવટ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. જયા ઠાકોરના જણાવ્યા મુજબ રાધનપુરમાં પીવાના પાણી માટે કુલ સાત બોર આવેલા છે, જેમાંથી બે બોર લાંબા સમયથી બંધ હોવા છતાં ખાનગી એજન્સીને ટેન્ડર મુજબ દર મહિને અંદાજે રૂ.૧.૭૫ લાખની ચૂકવણી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જયા ઠાકોરે આ રકમ પ્રજાના ટેક્સ અને નગરપાલિકાના ભંડોળમાંથી ચૂકવાતી હોવાનો દાવો કરી સમગ્ર મામલે પારદર્શકતા અને જવાબદારી અંગે સવાલો ઉઠાવ્યા છે. સાથે જ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર તથા જવાબદાર અધિકારીઓની કામગીરી અંગે પણ તેમણે પ્રશ્નો ઉઠાવી ગેરવહીવટની તપાસની માંગ કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ની જોગવાઈઓ હેઠળ જવાબદાર હોદ્દેદારો સામે કાર્યવાહી થઈ શકે છે. નાણાકીય ગેરરીતિ, ખોટા બિલ-દસ્તાવેજો તથા સરકારી નાણાંના દુરુપયોગ અંગે પણ કાયદેસરની તપાસ થવી જોઈએ તેવી માંગ તેમણે કરી છે.
જયા ઠાકોરે જણાવ્યું કે વિપક્ષ તરીકે પ્રજાના પ્રશ્નો ઉઠાવવાની ફરજના ભાગરૂપે જરૂર પડશે તો હાઈકોર્ટમાં જઈ PIL સહિતની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પ્રજાના નાણાંના ઉપયોગમાં પારદર્શકતા જળવાય અને જવાબદાર તંત્ર સામે યોગ્ય તપાસ થાય તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
