હારીજ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ

વ્યસનથી દૂર રહી સલામત ડ્રાઇવિંગનો સંદેશ : બ્રહ્માકુમારી કૈલાસ દીદીએ એસ.ટી. પરિવારને કરાવ્યું જાગૃત
કેપિટલ મેસેજ
Capital message
હારીજ : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મહેસાણા વિભાગ અંતર્ગત હારીજ એસ.ટી. ડેપો ખાતે વ્યસનમુક્તિ અને રોડ સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ડ્રાઈવર, કંડકટર, મિકેનિકલ વિભાગ સહિત ડેપોના સમગ્ર સ્ટાફને વ્યસનના દુષ્પરિણામો અને માર્ગ સલામતી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં બ્રહ્માકુમારી કૈલાસબેન દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એસ.ટી.ના ડ્રાઈવર, કંડકટર, મિકેનિકલ વિભાગ તથા સમગ્ર સ્ટાફને કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહેવા અપીલ કરી હતી. વ્યસન માત્ર વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ સમગ્ર પરિવારના જીવનને અસર કરે છે અને વ્યસનના કારણે અનેક પરિવારો નોધારા બની જતા હોવાનો સંદેશ આપી તેમણે સૌને વ્યસનમુક્ત જીવન અપનાવવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે ડેપો મેનેજર જાગૃતિબેન પટેલે ડ્રાઈવર અને કંડકટરોને રોડ સેફ્ટી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. મુસાફરોની સુરક્ષા સાથે એસ.ટી. કર્મચારીઓની જવાબદારી પણ મહત્વપૂર્ણ હોવાથી વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન, સાવચેતી અને સલામતીને પ્રાથમિકતા આપવા અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન વ્યસનમુક્તિ અને માર્ગ સલામતી બંને મુદ્દાઓને જોડીને એસ.ટી. કર્મચારીઓને પોતાની તેમજ મુસાફરોની સુરક્ષા માટે જવાબદારીપૂર્વક ફરજ બજાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી કૈલાસ દીદી, ડેપો મેનેજર જાગૃતિબેન પટેલ, ટીસી બીપીનભાઈ ઠાકર, ભારતીય મઝદૂર સંઘના પ્રતિનિધિઓ ઉપેન્દ્ર દવે, ચંદ્રકાંત દરજી, રામકૃષ્ણ વ્યાસ, દેવુભા સોલંકી, દિનેશપૂરી ગોસાઈ, વિજય પ્રજાપતિ સહિત સમગ્ર એસ.ટી. પરિવારના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
