પાટણ : સાંતલપુરના મઢુત્રા ગામેથી ₹5.43 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
કેપિટલ મેસેજ
Capital message
LCBની મોટી કાર્યવાહી; કેનાલ પાસેની બાવળની ઝાડીઓમાંથી 2,208 બોટલો જપ્ત, એક સામે ગુનો નોંધાયો
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પાટણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મોટી સફળતા મળી છે. સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલના સાઇફન નજીકથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)નો અંદાજે ₹5.43 લાખ કિંમતનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે મઢુત્રા ગામની સીમમાં આવેલી કેનાલના સાઇફન પાસેની પડતર જમીનમાં દરોડો પાડ્યો હતો. સઘન તપાસ દરમિયાન બાવળની ઘાટી ઝાડીઓમાં સંતાડીને રાખવામાં આવેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 2,208 બોટલો મળી આવી હતી. પોલીસે સમગ્ર જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે મઢુત્રા ગામના ઈશ્વરભાઈ શંકરભાઈ કોલી સામે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હાલ આરોપીની શોધખોળ હાથ ધરી રહી છે. ઉપરાંત દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો, તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે અને સ્થાનિક સ્તરે કોને સપ્લાય કરવાનો હતો તે સહિતની દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે.
એલસીબીની આ કામગીરીથી જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપારમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
